Dakshin Gujarat

બારડોલીમાં મેઘપ્રકોપ: 6 ઇંચ પાણી ઝીંકાયું, ભારે વરસાદને કારણે તાલુકાના 20 રસ્તા બંધ

બારડોલી: (Bardoli) બારડોલીમાં વરસાદને (Rain) કારણે પાણી ફરી વળતાં 20 જેટલા આંતરિક રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. બારડોલીમાં સોમવારે સાંજે 6થી મંગળવાર સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

બારડોલીમાં મળસકે 2 થી સવારે 6 વાગ્યા સુધીના ચાર કલાકમાં જ બારડોલીમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને કારણે પાણી પાણી થઈ ગયું હતું. ખેતરો પણ પાણીથી ઉભરાઇ ગયા હતા. બારડોલીના કડોદ રોડ પર આવેલી શિવશકિત સોસાયટી ઉપરાંત એમ.એન.પાર્ક અને ડી.એમ.પાર્ક સોસાયટીમાં ફરી વખત રાત્રે પાણી ભરાઈ જતાં લોકો કફોડી સ્થિતિમાં મુકાયા હતા. કડોદ રોડ પર આવેલી કાછિયા પાટીદાર સમાજની વિઠ્ઠલવાડીમાં પણ પાણી ફરી વળ્યું હતું.
રાત્રિ દરમિયાન ભારે વરસાદથી અનેક રસ્તા બંધ થઈ ગયા હતા. વહીવટી તંત્ર દ્વારા જે રસ્તા કે પુલ પર પાણી ફરી વળ્યા હતા ત્યાં બેરિકેટ્સ મૂકી રસ્તા પર વાહન વ્યવહાર બંધ કરી દેવાયો હતો.

આ રસ્તા બંધ કરાયા
વાંકાનેર-પારડી વાલોડ રોડ, જૂની કીકવાડ-ગભેણી ફળિયા રોડ, ખરવાસા મોવાછી જોઇનિંગ શામપુરા રોડ, વડોલી-બાબલા રોડ, ખોજ પારડી-વાઘેચા જોઈનિંગ, બારડોલી રામજી મંદિરથી ખલી રોડ, નસુરા-મસાડ નવી વસાહત રોડ, નસુરા-મસાડ વગા રોડ, સુરાલી કોટમુંડાથી બેલધા રોડ, સુરાલી ધારિયા ઓવારા રોડ, વડોલી અંચેલી રોડ, સુરાલી સુવિન જકાના ઘરથી ધારિયા ઓવારા રોડ, રાયમ વોટર વર્કથી સ્મશાન રોડ, ખોજ પારડીથી વાઘેચા રોડ, બામણી ઓરગામ રોડ, ટિંબરવા કરચકા રોડ, રામપુરા એપ્રોચ રોડ, અકોટી આશ્રમ શાળા રોડ, કંટાળી ભામૈયા રોડ, તાજપોરથી રગડ ખાડી રોડ.

બારડોલીના નસુરામાં ખાડીના પાણી ફરી વળતાં કેટલાંક ફળિયાં સંપર્કવિહોણાં
બારડોલીના નસુરા ગામે ખાડીના પાણી ફરી વળતાં કેટલાંક ફળિયાં સંપર્કવિહોણાં બની ગયાં હતાં. નસુરામાં ખાડી પૂરને કારણે ચાર ફળિયાનો સંપર્ક ગામ સાથે કપાઈ ગયો હતો. ચારેબાજુ પાણી જ પાણી હોનાથી લોકોએ બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું. ઘટનાની જાણ થતાં બારડોલી તાલુકા મથકેથી અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગામની મુલાકાત લીધી હતી.

નસુરા ગામની વચ્ચેથી પસાર થતી ખાડીમાં પૂર આવતા ગામના ચાર ફળિયાને મુખ્ય ગામને જોડતો પુલ પાણીમાં ગરક ગયો હતો. ગામના નવું ફળિયું, ગૂંદી ફળિયું, મહુડી ફળિયું, ટેકરા ફળિયુંનો સંપર્ક કપાઈ જતાં લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. પાણીનો પ્રવાહ તેજ હોય ગામમાં પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો હતો. ચારેય ફળિયાના લોકોને બહાર નીકળવા માટે અન્ય કોઈ વૈકલ્પિક માર્ગ ન હોય ગોંધાય રહેવું પડ્યું હતું. મોડી સાંજે પણ પાણી ઊતર્યા ન હોવાથી લોકોને મુશ્કેલીમાં વધારો થયો હતો.

માંડવી-તરસાડાને જોડતો રૂ.47 કરોડના ખર્ચે નવા પુલની સાઈડ વોલનું ધોવાણ
માંડવી: રાષ્ટ્રીય ધોરી માર્ગ નં-56 ઉપર માંડવી અને તરસાડાને જોડતા રૂ.47.92 કરોડના ખર્ચે તાપી નદી પર નવનિર્મિત પુલનું જે-તે સમયના માર્ગ-મકાન વાહન વ્યવહાર મંત્રી પૂર્ણશ મોદીના હસ્તે 30 ઓક્ટોબર-2021માં લોકાર્પણ કરાયું હતું. ત્યારે અઢી વર્ષમાં જ અપ્રોચ રોડની સાઈડ વોલ વરસાદ પડતાં ગાબડું પડ્યું હતું અને પથ્થરોની વોલ સાથે માટીનું ધોવાણ થયું છે. જે ભ્રષ્ટાચારની પોલ ખોલી છે.

માંડવીમાં ત્રણ જગ્યાએ રસ્તા બંધ
માંડવી: છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા ભારે વરસાદના કારણે માંડવીમાં ઉશ્કેર મુંજલાવ બોધાન રોડ, ઉમરસાડી ખરોલી રોડ બંધ કરાયો હતો. જેથી વાહન ચાલકો વૈકલ્પિક રસ્તાઓ પરથી વાહનો લઈ જઈ શકશે તેમ માર્ગ મકાન વિભાગ(પંચાયત) પાસેથી વિગતો પ્રાપ્ત થઈ છે.

Most Popular

To Top