બારડોલી: (Bardoli) બારડોલી તાલુકામાં સોમવારે હોળીના (Holi) દિવસે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અચાનક વરસાદી (Rain) છાંટા પડતાં હોળી માટેની તૈયારી કરી રહેલા ભક્તોમાં નિરાશા વ્યાપી ગઈ હતી. અનેક જગ્યાએ પ્રગટાવવા માટે તૈયાર કરેલ હોલિકાને તાડપત્રીથી ઢાંકવાની ફરજ પડી હતી. બીજી તરફ ભારે પવન અને ગાજવીજ સાથે પડેલા વરસાદી છાંટાએ ખેડૂતોની (Farmers) ચિંતામાં વધારો કરી દીધો હતો. ખાસ કરીને કેરી પકવતા ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.
- બારડોલીમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો
- ગાજવીજ અને પવન સાથે બારડોલીમાં વરસાદ
- હોળીને તાડપત્રીથી ઢાંકવાની ફરજ પડી
- કમોસમી વરસાદને કારણે કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા
સુરત જિલ્લાના હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં 5 અને 6 માર્ચ દરમ્યાન કમોસમી વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજે સોમવારના રોજ લોકો હોળી પ્રગટાવવાની તૈયારીમાં જોડાયેલા હતા તે જ સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં કાળાભમ્મર વાદળો ધસી આવવાની સાથે ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડે તેવું વાતાવરણ થઈ ગયું હતું. જો કે બારડોલીમાં વરસાદી છાંટા પડ્યા હતા. છાંટા પડતાં જ સોસાયટી અને ગામડાઓમાં તૈયાર કરાયેલ હોળીને તાડપત્રીથી ઢાંકી દેવામાં આવી હતી. બપોરના સમયે સૂર્યદેવતા આકાશમાંથી ગાયબ થઈ જતાં અંધારું છવાઈ ગયું હતું. જો કે થોડીવાર બાદ આકાશ ખુલ્લુ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વરસાદી છાંટાને કારણે ગરમીથી થોડા અંશે રાહત જણાઈ હતી.
બીજી તરફ વાદળ છાયા વાતાવરણ અને ભારે પવનને કારણે આંબા પરનો મોર (આમ્રમંજરી) ખરી પડ્યો હતો, જેને કારણે કેરીના પાકને મોટા પાયે નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતોમાં વ્યાપી ગઈ હતી. આ ઉપરાંત શાકભાજીના પાકમાં પણ જીવાત પાડવાની સંભાવનાને કારણે ખેડૂત ચિંતિત બન્યા છે.
વધુમાં હાલ હોળીનો સમયગાળો હોય બદલાયેલા વાતાવરણે સુગર ફેક્ટરી સંચાલકોની પણ ચિંતા વધારી દીધી હતી. હોળીમાં મોટાભાગના મજૂરો વતન ગયા હોય શેરડી કાપણી ધીમી થઈ જતી હોય છે. હવે વરસાદી વાતાવરણ થતાં કાપણી તદ્દન બંધ થઈ જાય તો સુગર ફેક્ટરી પણ બંધ રાખવી પડે એવી સ્થિતિ સર્જાય હતી. જો કે બપોર બાદ વાતાવરણ ખુલ્લુ થઈ જતાં સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.