બારડોલીમાં C R પાટીલના કાર્યક્રમમાં નિયમોનાં ધજાગરા, શા માટે લોકોએ કહ્યું અમને પણ છૂટ આપી દો

બારડોલી: (Bardoli) સુરત જિલ્લા ભાજપ (BJP) દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની (C R Patil) અધ્યક્ષતામાં આયોજિત માઇક્રો ડોનેશન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઊમટી પડતાં સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના ગાઈડલાઇનના ધજાગરા ઊડ્યા હતા. એટલું જ નહીં સરદાર પટેલ ટાઉન હૉલમાં ક્ષમતા કરતાં પણ વધુ લોકો ઉપસ્થિત રહેતા બહાર ઊભા રાખવાની ફરજ પડી હતી. લગ્ન અને સામાજિક પ્રસંગોમાં લોકોની હાજરી સામે 56ની છાતી બતાવતી પોલીસ પણ આ ભીડ સામે મૂક પ્રેક્ષક બનીને ઊભી રહેતા લોકોએ પણ પોલીસની બેધારી નીતિ સામે ફિટકાર વરસાવ્યો હતો. સરકારે કાગળ પર નિયમો બનાવવા કરતાં લોકોને પણ કોવિડ ગાઈડલાઇનના પાલનમાંથી છૂટ આપી દેવી જોઈએ એવી માંગ ઊઠી છે.

  • સરદાર પટેલ ટાઉન હોલની 700ની ક્ષમતા સામે સેંકડોની ભીડ એકત્રિત થઈ, હોલ ખીચોખીચ થતાં લોકો બહાર ઊભા રહ્યા
  • 150ની મર્યાદા ભુલાઈ, અસંખ્ય લોકો ઉપસ્થિત રહેતાં લોકોનું આરોગ્ય જોખમમાં મુકાયું
  • પોલીસ પણ આ ભીડ સામે મૂક પ્રેક્ષક બનીને ઊભી રહી

ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને તેમની ભાજપ સરકારની કથની અને કરણીમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા એક તરફ જાહેરનામું બહાર પાડી રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં ખુલ્લી જગ્યામાં માત્ર 150 વ્યક્તિઓ અને બંધ સ્થળોમાં ક્ષમતાના 50 ટકા, પણ 150 વ્યક્તિની મર્યાદામાં કોવિડ ગાઈડલાઇનના પાલન સાથે મંજૂરી આપવામાં આવી છે. પરંતુ અહીં તો ભાજપની જ સરકાર હોય સરકારના પ્રતિનિધિતિઓ ખુદ કોરોના ગાઈડલાઇનનો ભંગ કરતાં જોવા મળ્યા હતા.

બારડોલીમાં શનિવારે સુરત જિલ્લા ભાજપ દ્વારા માઇક્રો ડોનેશન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સરદાર પટેલ ટાઉન હોલમાં આયોજિત કાર્યક્રમમાં સેંકડોની સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેતા સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના ગાઈડલાઇનના ધજાગરા ઊડ્યા હતા. ખુદ સી.આર.પાટીલ પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી શક્યા ન હતા. હોલની ક્ષમતા 700 વ્યક્તિની છે. પરંતુ ક્ષમતા કરતાં પણ હોલ અને હોલની બહાર ભીડ એકત્રિત થઈ હતી. એક તરફ જિલ્લામાં કૂદકે ને ભૂસકે કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે. ત્યારે નિયમો બનાવનારા જ નિયમોનો ભંગ કરી કોરોનાને વધુ વકરવાનો મોકો આપતા નજરે પડે છે. છેલ્લા કેટલાક દિવસથી જિલ્લામાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે. સંક્રમણ વધવાની સાથે રોજના મોતના આંકડા પણ સામે આવી રહ્યા છે. પરંતુ ભાજપના નફ્ફટ નેતાઓ સમજવા તૈયાર ન હોય લોકોનું આરોગ્ય જોખમમાં મુકાયું છે.

પોલીસ મૂકપ્રેક્ષક બની રહી
બીજી તરફ લગ્ન જેવા સામાજિક પ્રસંગોમાં છાપો મારી 56ની છાતી બતાવતી પોલીસ આટલી ભીડ છતાં ત્યાં બંદોબસ્તમાં ઊભી જોવા મળી હતી. 150 વ્યક્તિની સામે સેંકડો વ્યક્તિની ભીડ છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવાની જગ્યાએ મૂકપ્રેક્ષક બની રહેતા લોકોએ પોલીસની નીતિ સામે પણ ફિટકાર વરસાવ્યો હતો. ગરીબ અને સામાન્ય લોકોને દંડ ફટકારતી પોલીસ દ્વારા ભાજપના કાર્યક્રમ સામે કોઈ પગલાં લેવામાં નહીં આવતાં હવે સરકારે કાગળ પર નિયમો બનાવવા કરતાં લોકોને પણ કોવિડ ગાઈડલાઇનના પાલનમાંથી છૂટ આપી દેવી જોઈએ એવી માંગ ઊઠી છે.

Most Popular

To Top