બારડોલી: બારડોલીની (Bardoli) રાજીવનગર ગલી નં.3માં એક શખ્સ તેની પત્નીને (Wife) માર મારતો હોવાથી પાડોશમાં રહેતા યુવકે શખ્સના શેઠને બોલાવતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને યુવકનું માથું ફોડી મૂક્યું હતું. આ અંગે યુવકે બારડોલી ટાઉન પોલીસમાં (Police) ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલીની રાજીવનગર ગલી નં.3માં રહેતો આમિર ખાન રઈશખાન પઠાણ (ઉં.વ.26) આશિયાના નગરના પાટિયા પાસે દોસ્તી ઓટો ગેરેજ નામથી ગેરેજ ચલાવે છે. તે તેની પત્ની અને દોઢ વર્ષના દીકરા સાથે રહે છે. મંગળવારે રાત્રે ગેરેજનું કામ પતાવી પોતાના ઘરે ગયો હતો. એ સમયે ફળિયામાં જ રહેતો બિસ્મિલા મહમુદ પઠાણ તેણી પત્ની સાથે ગાળાગાળી કરી તેને માર મારી રહ્યો હતો. ત્યાં ઊભેલી આમિર ખાનની પત્નીએ તું એને નહીં માર એમ કહ્યું હતું. પરંતુ તેમ છતાં બિસ્મિલા ન માનતાં આમિર ખાને બિસ્મિલાના શેઠ રફીકભાઈને બોલાવ્યા હતા.
રફીકભાઈએ ત્યાં આવીને બિસ્મિલાને સમજાવતા હતા ત્યારે તે અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને આમિર ખાનને તેં કેમ રફીકભાઈને બોલાવ્યા તેમ કહી માથામાં મારી દેતાં આમિર ખાનનું માથું ફૂટી ગયું હતું. આમિર ખાનને ઇજા થતાં બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને માથામાં ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આમિર ખાનની ફરિયાદના આધારે બિસ્મિલા સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
જમીનના ઝઘડામાં કાકાભાઈએ યુવાન પર ચપ્પુ વડે હુમલો કરતા મોઢાનો ભાગ ચિરાઈ ગયો
દમણ : સંઘપ્રદેશ દમણમાં કુટુંબના જમીનના ઝઘડામાં કાકાભાઈએ કુટુંબના જ યુવાન પર ચાકુ વડે હુમલો કરતા યુવાનને મોઢાનો ભાગ ચિરાઈ જતાં ગંભીર સ્થિતિમાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ચાકુ મારનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે દમણના વરકુંડ મોરા ફળિયા ખાતે રહેતા માહ્યાવંશી (પટેલ) પરિવારના કુટુંબીજનો વચ્ચે છેલ્લા 10 વર્ષથી જમીનને લઈને વિવાદ ચાલી રહ્યા હતા. મંગળવારે કુટુંબી રાજેશ અમરસિંહના પરિવાર દ્વારા ભગવાન પટેલના ઘર તરફ જતો રસ્તો બ્લોક કરી દેવાતા વિવાદ થયો હતો. રાત સુધીમાં આ ઘટનાએ ઝઘડાનું રૂપ પકડી લીધું હતું. રાત્રે ભગવાન પટેલનો 33 વર્ષીય દિકરો તુષાર પટેલ ઓફિસથી ઘરે આવ્યો ત્યારે કુટુંબી રાજેશ અમરસિંહ તથા તેની પત્ની, બાજુમાં રહેતા અન્ય કુટુંબીજનો ભગવાન પટેલના પરિવાર સાથે ઝગડો કરી રહ્યા હતા. ઝગડો અટકાવવા તુષાર વચ્ચે પડતાં ઉશ્કેરાયેલા રાજેશ અમરસિંહ પટેલે ધારદાર ચાકુ વડે પાછળથી હુમલો કરતાં તુષાર અચાનક ફરી જતાં તેના મોઢાના ભાગે મારતા તેનું મોઢું ચિરાઈ ગયું હતું. ઘટનાને પગલે તાત્કાલિક લોહી લુહાણ હાલતમાં તુષારને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતો. પરિવારના સભ્યોએ આ મામલે નાની દમણ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપી રાજેશ અમરસિંહ પટેલની ધરપકડ કરી હતી. જ્યારે રાજેશ અમરસિંહના પરિવારે પણ તુષાર પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે તુષાર સામે પણ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.