બારડોલી: (Bardoli) બારડોલીની સરદાર વિલા સોસાયટીમાં (Society) દોઢ વર્ષ બાદ ફરી એક વખત ચોર (Thief) ત્રાટક્યા હતા. ચોરોએ એનઆરઆઇના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. જો કે આજુબાજુના લોકો જાગી જતાં ચોર નાસી છૂટ્યા હતા.
- બારડોલીની સરદાર વિલામાં તસ્કરોએ એનઆરઆઇના મકાનના તાળા તોડ્યાં
- પાડોશીઓ જાગી જતાં તસ્કરો નાસી છૂટ્યા
- એનઆરઆઇની પુત્રી અમદાવાદથી આવ્યા બાદ શું ચોરાયું છે તે ખબર પડશે
બારડોલીના ધામડોદ લુંભા ગામની સીમમાં આવેલી સરદાર વિલા સોસાયટી-2માં સોમવારે મળસ્કે કમ્પાઉન્ડ વોલ પર લગાવેલ ફેન્સિંગ તોડીને ચોર ઘૂસી આવ્યા હતા. કમ્પાઉન્ડ વોલને અડીને આવેલ એનઆરઆઇના 103 નંબરના મકાનનો મુખ્ય દરવાજો તોડી ચોરો ઘરમાં પ્રવેશ કર્યો હતો. જો કે આજુબાજુના લોકો જાગી જતાં ચોર નાસી છૂટ્યા હતા. મકાન માલિક હાલ વિદેશમાં રહેતા હોય તેમની દીકરી અમદાવાદથી આવ્યા બાદ જ અંદરથી કઈ ચોરી થયું છે કે નહીં તે વિષે જાણી શકાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારે રાત્રે પણ અસ્તાન ગામની સોસાયટીમાં ચોરોએ બંધ ઘરને નિશાન બનાવ્યું હતું. વધી રહેલી ચોરીની ઘટનાઓને લઈ બારડોલી ટાઉન પોલીસે દ્વારા રાત્રિ પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.
રાયમ નજીક મંદિરમાંથી ચૂડીમાતાનું ચાંદીનું છત્ર ચોરાયું
બારડોલી ગ્રામ્યમાં પણ ચોર ટોળકી સક્રિય થઈ ગઈ છે. શનિવારે રાત્રે કડોદ રોડ ઉપર પણદા અને રાયમની વચ્ચે રોડને અડીને આવેલા ચૂડીમાતાના મંદિરમાંથી તસ્કરો માતાનું છત્ર ચોરી કરી ગયા હતા. આ છત્ર ચાંદીનું હોવાનું જાણવા મળ્યું છે. આમ ચોરને હવે ભગવાનનો પણ ડર રહ્યો ન હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.