બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના મોતા ગામે આવેલી સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કની (Surat District Bank) શાખામાં થયેલી લૂંટ (Loot) પ્રકરણમાં પોલીસ પગેરું શોધવા માટે મથામણ કરી રહી છે. જો કે, પોલીસને (Police) હજી સુધી કોઈ કડી મળી નથી. હાલ પોલીસ દ્વારા મોતાની આજુબાજુમાં આવેલા બગુમરા, જોળવા સહિતનાં ગામોમાં કોમ્બિંગ શરૂ કર્યું હોવાનું જાણવા મળે છે. મંગળવારના રોજ ધી સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કની મોતા શાખામાં થયેલી લૂંટ પ્રકરણમાં સુરત જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી રહી છે.
મોટર સાયકલ પર આવેલા ત્રણ લૂંટારુઓ હલધરું ગામ તરફ ગયા બાદ અન્ય કોઈ પણ સીસીટીવીમાં નજરે પડતાં ન હોવાથી પોલીસની મૂંઝવણ પણ વધી છે. મોતા ગામ પૂરું થયા બાદ પડતાં આંતરિક રસ્તાઓ પર કોઈ સીસીટીવી ન હોવાથી પગેરું શોધવામાં થોડી મુશ્કેલી આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર જિલ્લા પોલીસની ટીમને ગત રાત્રે બારડોલી બોલાવી મોતાની આજુબાજુના પરપ્રાંતિય વિસ્તારોમાં કોમ્બિંગ પણ કરાવવામાં આવ્યું હતું.
બીજા દિવસે પણ પ્રક્રિયા ચાલુ રહી હતી. જો કે પોલીસને સફળતા હાથ લાગી ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે બપોરે મોતા ગામે આવેલી સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કની શાખામાં મોટર સાયકલ પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સો ધસી ગયા હતા અને મેનેજર તેમજ અન્ય સ્ટાફને તમંચો બતાવી રૂ. 10.42 લાખ રોકડાની ચોરી કરી બાઇક પર જ નાસી છૂટ્યા હતા. બેન્કના કર્મચારીને બતાવવામાં આવેલ તમંચો એરગન હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. સીસીટીવી ફૂટેજમાં દેખાતો તમંચાના નાળચું પરથી તો તે એરગન હોવાનું જ લાગી રહ્યું છે. જો કે ખરી હકીકત તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.
તસ્કરોને છૂટોદોર
સુરત જિલ્લામાં ચોરીની ઘટનાઓ સામાન્ય થઈ ગઈ છે. ઘરફોડ ચોરી તો રોજની બની ગઈ છે. ખાસ કરીને સોસાયટીઓમાં બંધ ઘરોને નિશાન બનાવવામાં આવે છે. આ ઉપરાંત વાહન ચોરી તો છાસવારે થતી રહી છે. પોલીસ ચોપડે મોટા ભાગની ચોરીના ગુના નોંધાતા ન હોય તસ્કરોને છૂટોદોર મળી ગયો છે. અને આ જ કારણોસર ધોળા દિવસે બેન્કમાં બનેલી લૂંટની ઘટનાને અંજામ આપવામાં લૂંટારુઓ સફળ રહ્યા હોવાની ચર્ચા જિલ્લાના નાગરિકોમાં થઈ રહી છે.
ખેડૂતોને શેરડીનું પેમેન્ટ કરવાનું હોય 20 લાખ રોકડા મંગાવ્યા હતા
હાલ બારડોલી સુગર ફેક્ટરીના ખેડૂત સભાસાદોને શેરડીનું પેમેન્ટ કરવાનું હોય મોતા શાખા દ્વારા બારડોલી પ્રાદેશિક કચેરીમાંથી મંગળવારના રોજ 20 લાખ રૂપિયા રોકડા મંગાવવામાં આવ્યા હતા. જે બેન્કના લોકરમાં મૂક્યા હતા. જેમ જેમ ગ્રાહક પૈસા લેવા આવતા તેમ તેમ ચૂકવણું કરવામાં આવતું હતું. આ દરમ્યાન બપોરે કોઈ ગ્રાહક નહીં હોય લૂંટારુઓ બેન્કમાં ધસી આવ્યા હતા અને કેશ કાઉન્ટરમાં રાખેલી રોકડ રકમ રૂ. 10.42 લાખની લૂંટ કરી નાસી છૂટ્યા હતા.
યોગ્ય સલામતી વ્યવસ્થાના અભાવે સુરત ડિસ્ટ્રિક્ટ બેન્ક તસ્કરોના ટાર્ગેટ પર
સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક સરળતાથી ચોરોના નિશાન પર રહે છે. નજીકના ભૂતકાળમાં બનેલી એટીએમ ચોરીની ઘટનામાં મોટા ભાગના એટીએમ મશીન સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના જ તૂટ્યા છે. બેન્કમાં સિક્યુરિટીના અભાવને કારણે ચોરો માટે બેન્કના એટીએમ અને શાખા સોફ્ટ ટાર્ગેટ બની ગયા છે. બેન્કના સંચાલકો અને અધિકારીઓએ જે ઝડપે બેન્કની શાખા વધારી તે ઝડપે સિક્યુરિટી વધારી ન હોય પ્રજાના પૈસા રામ ભરોસે જ સચવાઇ રહ્યા હોવાની ચર્ચાએ પણ જિલ્લામાં જોર પકડ્યું છે. જો સલામતીની યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો બેન્કમાં લોકોએ પોતાની પસીનાની કમાણી મુકતા પહેલા વિચાર કરવો પડશે એમાં કોઈ બેમત નથી.