બારડોલી: (Bardoli) વૈવાહિક વેબસાઈટ શાદી ડોટ કોમ પર સંપર્ક કર્યા બાદ બારડોલીની (Bardoli) મહિલાને કેનેડાના યુવક સાથે લગ્ન (Marriage) કરવું ભારે પડી ગયું હતું. યુવકે મહિલાના ફોટો વાઇરલ કરી 20 હજાર કેનેડિયન ડોલરની માંગણી કરી હતી. મહિલાએ આ અંગે તેના પતિ વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
- કેનેડામાં રહેતા પતિએ ભારતમાં રહેતી પત્નીના ફોટો વાયરલ કરી 20 હજાર ડોલર માંગ્યા
- શાદી ડોટ કોમ ઉપર મુલાકાત બાદ બંનેએ લગ્ન કર્યાં હતાં
બારડોલીના સ્વામિનારાયણ મંદિર વિસ્તારમાં રહેતી અને એક પ્રિ-પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી 40 વર્ષીય મહિલાને શાદી ડોટ કોમ નામની વેબસાઇટ પર પ્રિનલ ભીંડી (રહે.,કેનેડા) સાથે ઓળખાણ થઈ હતી. ગત તા.28/12/2022ના રોજ બંનેએ નવસારીના જૂનાથાણા ખાતે આવેલા બલેશ્વર મહાદેવ મંદિરમાં હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ તેઓ વૃંદાવન ફરવા માટે ગયાં હતાં. લગ્ન બાદ અલગ અલગ જગ્યાએ પ્રિનલ ભીંડીએ પત્ની સાથે ફોટો અને વિડીયોગ્રાફી કરી હતી. પ્રિનલે મહિલાના ફોનમાંથી તમામ ડેટા લઈ લીધા હતા.
દરમિયાન તા.22/1/2023ના રોજ પ્રિનલ ભારતથી કેનેડા રહેવા જતો રહ્યો હતો. ત્યાંથી તેણે મહિલાની બેન અને તેના પુત્રના ફોન પર મહિલાના ચરિત્ર વિશે ગમેતેવા મેસેજ કર્યા હતા. અને પરિવાર પાછળ 20 હજાર રૂપિયા કેનેડિયન ડોલર ખર્ચ થયો હોવાનું જણાવી આ રકમની માંગ કરી હતી. ત્યારબાદ તેણે અલગ અલગ ફેસબુક પેજ પર અને મહિલાના સગા સંબંધીને ફોટો વાયરલ કરી તેના ચારિત્ર્ય સામે આક્ષેપો કર્યા હતા. આથી મહિલાએ કંટાળી જઈ બારડોલી ટાઉન પોલીસમથકનો સંપર્ક કર્યો હતો અને પતિ પ્રિનલ ભીંડી સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરમાં ઉમિયા ગેસીસના સંચાલકને 18 લાખના ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા
અંકલેશ્વર: ભરૂચની યોગી ટાઉનશીપમાં રહેતા સ્નેહલ પટેલ ઉમિયા ગેસીસના પ્રોપરાઈટર છે. તેમની મિત્રતા અંકલેશ્વરના ગડખોલના વેપારી મૌલિક દાણી સાથે થઈ હતી. બે વર્ષથી મિત્રતામાં વ્યવસાય અને અંગત કામ માટે જરૂર પડતાં વર્ષ-2016માં સ્નેહલભાઈએ તેમની પાસેથી 28 લાખ લીધા હતા. જેમાં ટુકડે ટુકડે થોડાં નાણાં અપાયાં હતાં. બાકીના 8 અને 10 લાખના બે ચેક આપવામાં આવ્યા હતા. જે બેંકમાં નાંખતાં રિટર્ન થયા હતા. જે અંગે વારંવાર રજૂઆત અને નોટિસ આપવા છતાં નાણાં નહીં અપાતાં વેપારીએ મિત્ર સામે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ કેસ કર્યો હતો. અંકલેશ્વર ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વિજય મકવાણાની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. કોર્ટે ગેસ એજન્સીના સંચાલકને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સાદી કેદ અને 18 લાખ એક મહિનામાં ચૂકવી આપવા હુકમ કર્યો છે.