બારડોલી : બારડોલી (Bardoli) તાલુકાના નાંદીડા ચોકડી નજીક બાઇક (Bike) પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ગ્લાસના વેપારી (Glass merchant) પર ફાયરિંગ (Firing) કરી હત્યા (Murder) કરી દેતાં ચકચાર મચી ગઈ હતી. વેપારીને ગંભીર હાલતમાં બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણકારી મળતાં જ સુરત રેન્જ આઈ.જી. અને જિલ્લા પોલીસ વડા પણ બારડોલી આવી પહોંચ્યા હતા. પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
બારડોલીના હનુમાન ગલીમાં રહેતો નિખિલ સુધીર સિંગાડિયા (પ્રજાપતિ) (ઉં.વ.34) બારડોલી તાલુકાના તેન ગામની સીમમાં નાંદીડા ચોકડી ખાતે શ્રી રામ ગ્લાસ નામે દુકાન ચલાવતો હતો અને ગ્લાસ પેઇન્ટિંગ, પીવીસી ડોર, એલ્યુમિનિયમ સેક્શન સહિતની કામગીરી કરતો હતો. ગુરુવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ નિખિલ પોતાની પત્નીની દવાખાને લઈ ગયો હતો અને ત્યાં સોનોગ્રાફી કરાવી ઘરે મૂકી આવ્યા બાદ બાઇક પર પોતાની દુકાન તરફ જઇ રહ્યો હતો. એ સમયે એક મોટરસાઇકલ પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ તેને રોકી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આથી નાંદીડા જતાં રોડ પર તે બાઇક સાથે નીચે પટકાયો હતો.
જ્યારે બાઇક પર આવેલા શૂટર નાંદીડા તરફ નાસી છૂટ્યા હતા. સ્થાનિકોએ તાત્કાલિક નિખિલને 108 એમ્બ્યુલન્સ મારફતે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ બારડોલી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી. સ્થળ પરથી એક કારતૂસનું કવર પણ મળી આવ્યું હતું. બીજી તરફ જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ તેમજ જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈ.જી. પણ આ ઘટનાની ગંભીરતાની નોંધ લઈ બારડોલી દોડી આવ્યા હતા. તેમણે ઘટના સ્થળની મુલાકાત લઈ યોગ્ય દિશામાં તપાસના આદેશ આપ્યા હતા. જો કે, હાલ આ લખાય રહ્યું છે ત્યારે મોડી સાંજ સુધીમાં મૃતકના પરિવારજનોની ફરિયાદ લેવાની કામગીરી ચાલી રહી રહી છે.
ઘટના સ્થળે સીસીટીવી કેમેરા નહીં હોવાથી તપાસમાં મુશ્કેલી સર્જાઈ શકે
નાંદીડા ચોકડીથી નાંદીડા ગામ જતાં રોડ પર થોડા અંતરમાં જ ફાયરિંગની ઘટના બની છે. જ્યાં ઘટના બની છે ત્યાં સીસીટીવી કેમેરા નહીં હોવાથી તપાસમાં થોડી મુશ્કેલી આવી શકે એમ છે. જો કે, પોલીસે આજુબાજુની દુકાનો અને ઓફિસના સીસીટીવી ચેક કરવાની કામગીરી હાથ ધરી છે. જેમાં કેટલાક કૅમેરામાં ત્રણ ઇસમ બાઇક પર જઇ રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. પરંતુ ચિત્ર સ્પષ્ટ ન હોવાથી પોલીસ માટે હત્યારાઓ સુધી પહોંચવું પડકારરૂપ બની શકે એમ છે.
આઠેક માસ પૂર્વે પણ હુમલો થયો હતો
મૃતક નિખિલ પર અગાઉ પણ તેની જ દુકાનમાં ચપ્પુ વડે હુમલો થયો હતો. અંદાજિત આઠેક માસ પૂર્વે ત્રણ અજાણ્યા શખ્સોએ નિખિલની દુકાનમાં ઘૂસી જઇ તેના પર ચપ્પુ વડે હુમલો કરતાં હાથમાં ઇજા થઈ હતી. તે સમયે પણ કોણે અને કયાં કારણોસર હુમલો કર્યો હતો તે જાણી શકાયું ન હતું. પોલીસે આ ઘટનાને પણ ધ્યાનમાં રાખી તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મૃતક નિખિલની પત્ની સગર્ભા
મૃતક નિખિલની પત્ની ગર્ભવતી હોવાનું જાણવા મળી રહ્યું છે. તેની પત્નીને હાલ પાંચમો મહિનો ચાલી રહ્યો છે. આવા સમયે જ પતિની હત્યા થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
શંકાને આધારે નિખિલના મિત્રની પૂછપરછ કરાઈ
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પરિવારજનોએ મૃતક નિખિલના મિત્ર કેતન પર શંકા વ્યક્ત કરી હોવાનું જાણવા મળે છે. પરિવારજનોની શંકાને આધારે પોલીસે કેતનને ઊંચકી લઈ પૂછતાછ શરૂ કરી છે. કેતન અને નિખિલ વચ્ચે થોડા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. પોલીસે નિખિલની હત્યા બાબતે કેતન ઉપરાંત અન્ય કેટલાક શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછ હત્યાનો અંગે પોલીસને કોઈ કડી મળવાની સંભાવના છે. એટલું જ નહીં પોલીસે ઘટના સ્થળ ઉપરાંત નિખિલ જ્યાં જ્યાંથી પસાર થયો હતો ત્યાંથી સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. નાંદીડા ચોકડીથી પલસાણા જતા રોડ પર હાઇવેનાં સીસીટીવી ફૂટેજ પણ પોલીસે મેળવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં શકમંદો નજરે પડી રહ્યા હોય પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.