સુરત: બારડોલીમાં તોફાને ચડેલી અને 5 રાહદારીઓને અડફેટે લેનાર રખડતા પશુ (ગાય)થી ઘવાયેલી એક વૃદ્ધ મહિલાનું સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ગુરુવારે તોફાને ચઢેલી ગાયએ એક મહિલા અને ચાર પુરૂષો સહિત 5 જણાને અડફેટે લઇ ઇજા પોંહચાડી હતી. જો કે, બારડોલી નગરમાં ઉત્પાત મચાવનાર ગાયને આખરે બારડોલી જીવ દયા સંસ્થા દ્વારા પકડી લેવામાં આવી હતી. એટલું જ નહીં પણ તપાસમાં ગાયને હડકાયું કૂતરું કરડ્યાં બાદ ગાય તોફાને ચડી હોવાનું બહાર આવ્યું હતું.
- તપાસમાં સામે આવ્યું કે, હડકાયેલું શ્વાન કરડી ગયા બાદ ગાય તોફાને ચઢી હતી
જીવ દયા સંસ્થા આઈ એમ હ્યુમન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઘટનાની જાણ થયા બાદ સ્થળ પર આવી ગાયને સંસ્થાની ગૌશાળામાં લઈ જવામાં આવી છે. બારડોલી ખાતે ગઈકાલે ગાય દ્વારા અડફેટે લેવાયેલા વૃદ્ધાનું મોત થયું હોવાની ખબર દુઃખદ છે. વૃદ્ધાનું નામ ગુલાબબેન રાઠોડ હોવાનું જાણવા મળ્યું છે. ગાયની અડફેટે ઘવાયેલા ગુલાબબેનને સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. જેમનું આજે સારવાર દરમિયાન મોત થયું છે.