બારડોલી: બારડોલી તાલુકા અને નગરમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન શરૂ થયું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બારડોલી નગરના રાજમાર્ગથી વિસર્જનયાત્રા નીકળી હતી. ઉપરાંત તાલુકામાં કડોદ, મઢી, સરભોણ અને ભુવાસણ સહિતનાં ગામોનાં તળાવોમાં 500થી વધુ ગણેશમૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
દસ દિવસ સુધી ભક્તોની મહેમાન ગતિ માણ્યા બાદ આજે મંગળવારે દિવસે શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ભાવિક ભક્તોએ અશ્રુભીની આંખે વિદાય આપી હતી. બારડોલી નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં 80થી વધુ મંડળો જોડાયાં હતાં. વિસર્જન યાત્રામાં લોકો ડીજે, ઢોલ, ત્રાંસાના તાલ સાથે ગણપતિ બાપ્પા મોરયાના નારા લગાવી સમગ્ર બારડોલી નગરનું વાતાવરણ ગણેશમય બનાવી દીધું હતું. વિસર્જન યાત્રા સવારથી શરૂ થઈ ગઈ હતી. જે મોડી રાત સુધી ચાલી હતી. સમગ્ર દિવસ દરમિયાન એસએઆરપી અને સ્થાનિક પોલીસે વિસર્જન યાત્રા દરમિયાન ચાંપતો બંદોબસ્ત રાખ્યો હતો.
કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ બારડોલીમાં ધામા નાંખ્યા હતા. મિનારા મસ્જિદ પાસે પોલીસે તકેદારીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ગણેશ વિસર્જન દરમિયાન સામાજિક અને સેવાકીય સંસ્થાઓ દ્વારા થોડા થોડા અંતરે પાણી, છાસ, ચા, શરબત અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત તાલુકામાં પણ ગણેશભક્તોએ રંગબેરંગી ગુલાલની છોરો સાથે બાપ્પાને વિદાય આપી હતી. બારડોલી માટીની ત્રણ ફૂટ સુધીની મૂર્તિઓ મીંઢોળા નદીમાં વિસર્જિત કરાઈ હતી. જ્યારે 5 ફૂટ સુધીની મૂર્તિઓ સરભોણ તળાવ અને 5થી 9 ફૂટ સુધીની મૂર્તિઓનું ભુવાસણ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં ફાળવવામાં આવેલાં તળાવોમાં ઉત્સાહભેર વિસર્જન કરવામાં આવ્યું હતું.
બારડોલીમાં વાસણના પાત્રમાં ગણપતિનું વિસર્જન
બારડોલી: ગણેશ વિસર્જનના દિવસે બારડોલીમાં નદી અને તળાવોમાં ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કેટલાક સ્થળોએ ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના થઈ હોય તેમણે ઘરમાં જ એક પાત્ર બનાવી તેમાં ગણેશજીની વિસર્જન કર્યું હતું. બારડોલીના જલારામ મંદિર ખાતે મારા ગણેશ માટીના ગણેશ થિમ પર ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી જેનું મંગળવારે મંદિર પરિસરમાં જ એક મોટા પાત્રમાં પાણી અને ફૂલની પાંખડીઓ રાખી તેમાં મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જલારામ મંદિરના પૂજારી જીતુભાઈએ જણાવ્યું હતું કે, અમે છેલ્લાં કેટલાંક વર્ષોથી પર્યાવરણને ધ્યાનમાં રાખી આ રીતે ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરી તેનું વિસર્જન પણ પર્યાવરણને નુકસાન ન થાય એ રીતે કરીએ છીએ.