બારડોલી: (Bardoli) સુરત જિલ્લાના બારડોલી શહેરના મુખ્ય માર્ગ પર શનિવારે મોડી રાત્રે બે પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી સાથે ઢીકમુક્કી અને લાકડાના સપાટા સાથે મારામારી (Blows) થઈ હતી. ચાલુ કારમાંથી થૂંકવા (Spit) મામલે મામલો બીચકયો હતો અને વાત મારામારી સુધી પહોંચી ગઇ હતી. આ મારામારીનો વિડીયો સોશ્યલ મીડિયામાં (Social Media) વાયરલ થયો હતો. જોકે બારડોલી ટાઉન પોલીસમાં (Police) હજી સુધી કોઈ ગુનો નોંધાયો નથી.
બારડોલીમાં રહેતો યુવાન મોપેડ પર સવાર થઈ સુરતથી નોકરી પરથી પરત ફરી રહેલા પિતાને બસ સ્ટેન્ડ પર લેવા માટે જઈ રહ્યો હતો તે સમયે મુખ્ય માર્ગ પર મુદીત પેલેસ નજીક કારમાંથી પસાર થઈ રહેલા પાલી ગામના યુવાને કારનો કાચ ખોલી માવો ખાઈ પિચકારી મારી હતી. જે મોપેડ પર સવાર થઈ રહેલા યુવાન પર પડતા તેણે જોઈને થૂંકવા માટે કહ્યું હતું. આથી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બીચકયો હતો અને મારામારી સુધી પહોંચ્યો હતો.
મુખ્યમાર્ગ પર મારામારીના દ્રશ્યો સર્જાતા લોકટોળુ એકત્રિત થઇ ગયું હતું. હાથમા લાકડીનાં સપાટાથી તેમજ ખુલ્લા હાથની મારામારી કરી હતી. યુવાનો જ નહીં પણ ત્યાં હાજર મહિલાઓએ પણ મારામારી કરી હતી. આ મારમારીની ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. ઘટનાને પગલે બારડોલી પોલીસ સ્થળ પર પહોંચી હતી. જોકે મામલો પોલીસ મથકે પહોંચ્યા બાદ બન્ને પક્ષે સમાધાન કર્યુ હોવાનું જાણવા મળે છે.
ઉચ્છલના ચિત્તપુરમાં અજાણ્યા વાહને મોપેડને અડફેટે લેતાં યુવાનનું મોત
વ્યારા : ઉચ્છલ તાલુકાના ચિત્તપુર ગામની સીમમાં અજાણ્યા વાહન ચાલકે મોપેડ ચાલકને અડફેટે લેતા ચિત્તપુરના મોપેડ ચાલકનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. ઉચ્છલ તાલુકાના ચિત્તપુર ગામે ટાંકી ફળિયાનાં જગદીશભાઇ જાહગુભાઇ વસાવા (ઉ.વ.૨૬) ડીઓ મોપેડ નં. GJ-26- S-4130 લઈ ૯/૧૨/૨૦૨૨ના રોજ પોતાના ઘરે આવતો હતો તે સમયે મધ્ય રાત્રીએ ઉચ્છલથી નિઝર તરફ આવતા રોડ પર કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી મોપેડને ટક્કર મારી હતી. મોપેડ ચાલક જગદીશ વસાવાનાં માથાના ભાગે મુઢ માર વાગતા તેમજ કપાળના ભાગે, જમણા તથા ડાબા હાથે ઇજાઓ થઇ હતી, ઉપરાંત બંન્ને સાથળના ભાગેથી ફેકચર થયું હતું. શરીરે ગંભીર ઇજાઓ પણ થતાં સ્થળ પર મોત નીપજ્યું હતું.