બારડોલી: (Bardoli) સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બારડોલીના સુરતી ઝાંપા નજીક આવેલા બે અલગ અલગ મકાનમાં છાપો મારી વિદેશી દારૂ (Alcohol) સાથે બે બુટલેગરોને (Bootlegger) ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.
- બારડોલીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બે મકાનમાં રેડ કરી વિદેશી દારૂ સાથે બેને ઝડપી લીધા
- રહેણાક મકાનમાં બિનઅધિકૃત રીતે વિદેશી દારૂનું વેચાણ કરાતું હતુ
ગુજરાત રાજ્ય મોનિટરિંગ સેલની ટીમ સુરત ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે સુભાષભાઈ ઠાકોરભાઈ રાઠોડ રહે (સુરતી ઝાંપા, બારડોલી) અને તેની બાજુમાં રહેતો મેહુલ હસમુખ રાઠોડ પોતાના રહેણાક મકાનમાં બિનઅધિકૃત રીતે વિદેશી દારૂનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે છાપો માર્યો હતો. સૌ પ્રથમ સુભાષ ઠાકોર રાઠોડના મકાનમાં છાપો મારી તેને ઝડપી લીધો હતો અને ઘરમાં તપાસ કરતાં અંદરથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.
એ જ રીતે બાજુના મકાનમાં રેડ કરી મેહુલ હસમુખ રાઠોડને પકડી લીધો અને તેના મકાનમાંથી પણ દારૂ મળી આવ્યો હતો. પોલીસે બંને મકાનમાંથી કુલ 203 બોટલ કિંમત રૂ. 16590, દારૂ વેચાણના રોકડા રૂ. 10140, એક મોપેડ કિંમત રૂ. 30 હજાર મળી કુલ 66730 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આ ગુનામાં બારડોલીમાં મોટું ફળિયુંમાં રહેતા અતુલ રાઠોડ, દારૂનો જથ્થો સપ્લાય કરનાર મુકેશ નટવર રાઠોડ (રહે ગાંધીરોડ, બારડોલી)ને વોન્ટેડ જાહેર કર્યા હતા.