બારડોલી: બારડોલીમાં (Bardoli) કારના કાચ તોડી આપના (AAP) 20 લાખ રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી કરી બાઇક પર નાસી છૂટેલા બે શખ્સનો એક યુવકે હિંમતપૂર્વક પીછો કરતાં રોકડ રકમ ભરેલી બેગ રસ્તામાં ફેંકી જતાં ભાગી જવાની ઘટનામાં પોલીસમાં ગુનો નોંધાયા બાદ સમગ્ર પ્રકરણની તપાસ સુરત (Surat) જિલ્લા (SOGને) સોંપવામાં આવી છે. ફરિયાદમાં લૂંટની કલમ ઉમેરવામાં કોર્ટમાં રિપોર્ટ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનના પ્રવેશદ્વાર પાસેથી જ પાર્ક કરેલી એક કારમાંથી મોટરસાઇકલ પર આવેલા બે શખ્સ કારનો કાચ તોડી 20 લાખ રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી કરી ગયા હતા.
આ રકમ બારડોલી બેઠકના આપના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીના હોવાનું સામે આવ્યું
અજાણ્યા શખ્સોની આ હરકત ત્યાં ઉપસ્થિત આદિલ મેમણ નામના યુવાને જોઈ લેતા તેણે મોટરસાઇકલ પર બંનેનો પીછો કર્યો હતો. પીછો કરતી વખતે તેમની ગતિવિધિનો વિડીયો પણ બનાવી લીધો હતો. દરમિયાન આદિલે બૂમાબૂમ કરતાં દોઢ કિમી દૂર બેગ ફેંકીને નાસી છૂટ્યા હતા. આદિલે બેગ બારડોલી ટાઉન પોલીસને જમા કરતાં પોલીસે સમગ્ર મુદ્દે કારના ચાલકની પૂછપરછ કરતાં આ રકમ બારડોલી બેઠકના આપના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીના હોવાનું સામે આવ્યું હતું.
તપાસ સુરત જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સોંપવામાં આવી
રાજેન્દ્ર સોલંકીની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી હતી. જેમાં આ રકમ અમદાવાદથી આંગડિયા મારફત બારડોલી આવી હોવાનું બહાર આવતાં આ બેનામી નાણાંની તપાસ માટે બારડોલી પોલીસે આવક વેરા વિભાગને જાણ કરી હતી. આવક વેરા વિભાગની ટીમે પણ બારડોલીમાં ધામા નાંખી સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.આ સમગ્ર પ્રકરણમાં બેહિસાબી નાણું કોણે અને શા માટે મોકલ્યું છે તે હજી સુધી જાણી શકાયું નથી. બારડોલી ટાઉન પોલીસ પાસે તપાસ આંચકી લઈ જિલ્લા પોલીસ વડા દ્વારા આ તપાસ સુરત જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સોંપવામાં આવી છે. બીજી તરફ આ ફરિયાદમાં લૂંટની કલમનો ઉમેરો કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કર્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
અંકલેશ્વર તાલુકાના પાનોલીમાં કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
અંકલેશ્વર તાલુકાના પાનોલી ગામના કબ્રસ્તાન સામે ઈનોવા કારમાંથી તાલુકા પોલીસે વિદેશી દારૂનો જથ્થો મળી કુલ ૬.૭૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. દિવાળીના તહેવારમાં દારૂનું રેલમછેલ અટકાવવા માટે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ઇનોવા કાર નંબર જી.જે ૨૧ એ.એ. ૨૪૩૫માં વિદેશી દારૂનો જથ્થો ભરી એક ઈસમ અંકલેશ્વર તરફ આવી રહ્યો છે જેવી વાતમીના આધારે તાલુકા પોલીસે પાનોલી ગામના કબ્રસ્તાન સામે વોચ ગોઠવી હતી .