બારડોલી નગરપાલિકાના કથિત કચરા કૌભાંડને ઉજાગર કરવા બારડોલી નગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન કિશોર ચૌધરીએ ખુદ વજન કાંટાથી લઈ ડમ્પિંગ સાઇટ સુધીની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન નાણાંની ઉચાપત અને દુરુપયોગ થયો હોવાની શંકા વ્યક્ત કરતાં સમગ્ર કથિત કૌભાંડનો પર્દાફાશ થયો હતો. બારડોલી નગરપાલિકા ગેરકાયદે બાંધકામ અને કથિત કચરા કૌભાંડને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહી છે. અધિકારીઓની મિલીભગતમાં થઈ રહેલી ગોબાચારી સામે હવે ખુદ શાસકોએ જ બાંયો ચઢાવતા સંડોવાયેલા અધિકારીઓ તથા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
બારડોલી નગરપાલિકાના આરોગ્ય સમિતિની ચેરમેન કિશોર ચૌધરીએ ગત 5મી જુલાઈના રોજ નગરપાલિકાના આરોગ્ય સમિતિના સભ્ય, સેનેટરી ઈન્સ્પેક્ટર, સુપરવાઇઝરને લઈને વજન કાંટાથી લઈ ડિસ્પોઝેબલ સાઇટ સુધીની તમામ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં પાલિકાના આરોગ્ય અધિકારી, સુપરવાઇઝર, ઓપરેટર અને ઇજારદાર કંપની માધવ એન્ટરપ્રાઇઝની કામગીરી સંતોષકારક જણાઈ ન હતી. આથી કિશોર ચૌધરીએ ઇજારદારના અગાઉના મહિનાનાં બિલોની ચૂકવણીની વિગતો ચકાસતાં તે પણ શંકાસ્પદ જણાઈ હતી. જાહેર નાણાંની ઉચાપત અને દુરુપયોગ થયો હોવાની પણ શંકા કિશોર ચૌધરી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
જે અંગે લેખિતમાં અરજી કરી ખાસ સામાન્ય સભા બોલાવી તપાસ સમિતિની રચના કરવા તેમજ ઇજારદારનું પેમેન્ટ અટકાવવા માટે લેખિત અરજી કરી હતી. આ અરજી બાદ જ પાલિકા પ્રમુખ હરકતમાં આવ્યા હતા અને આગામી 14મીના રોજ ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી છે. ત્યારે આ બેઠકમાં તપાસ સમિતિ બનાવી તે કઈ દિશામાં તપાસ હાથ ધરે છે તે જોવું રહ્યું.