Dakshin Gujarat

બારડોલી કોંગ્રેસે મોંઘવારીના પૂતળાની સ્મશાનયાત્રા કાઢી : 29 કોંગ્રેસી ડિટેઇન

સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી સમિતિની બેઠક બાદ સરદાર બાગાયત ખાતે સરદાર પટેલની પ્રતિમાને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સુતરાંજલિ આપ્યા બાદ મોંઘવારી અને ભ્રષ્ટાચારના વિરોધમાં જન ચેતના આંદોલન હેઠળ રેલી કાઢવામાં આવી હતી. સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરાજ આશ્રમ પહોંચી હતી. જ્યાં અમિત ચાવડા અને અન્ય કોંગ્રેસી અગ્રણીઓએ સરદાર પટેલના નિવાસ સ્થાને તેમની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી હતી.

જ્યારે તેઓ કાર્યકરો સાથે સ્વરાજ આશ્રમની બહાર નીકળી રેલી આગળ વધારતા હતા, ત્યારે જ પોલીસે તેમને અધવચ્ચે રોકવાનો પ્રયાસ કર્યો હતો. સ્વરાજ આશ્રમ નજીક જ કોંગી કાર્યકરોએ મોંઘવારીની સ્મશાનયાત્રા કાઢી હતી. જેના પર DYSP સી.એમ. જાડેજાની નજર પડતાં જ તેમણે તાત્કાલિક સ્મશાન યાત્રા કાઢનારાઓ પાસેથી મોંઘવારીનું પૂતળું ખેંચી લઈ કાર્યકરોની અટક કરી હતી. એટલું જ નહીં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને પણ ભારે રકઝક બાદ ડિટેઇન કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસની રેલીથી શહેરના સ્ટેશન રોડ પર જાણે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. પોલીસ અને કાર્યકરો વચ્ચે રેલી કાઢવા મુદ્દે થોડીવાર માટે ઘર્ષણ પણ થયું હતી. બાદમાં પ્રદેશ પ્રમુખ, જિલ્લા પ્રમુખ આનંદ ચૌધરી, પ્રદેશ કોંગ્રેસ એસ.સી.મોરચા પ્રમુખ તરુણ વાઘેલા સહિતના 28 નેતાઓની અટક કરી તેમને પોલીસ મથકે લઈ જવાયા હતા. અંદાજિત એક કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડ્યા બાદ તમામનો છૂટકારો થયો હતો.

Most Popular

To Top