સુરત જિલ્લાના બારડોલીમાં વધુ એક બુટલેગરનો બિયર અને દારૂની બોટલો હાથમાં લઈ વર્ષગાંઠ ઊજવતો વિડીયો વાયરલ થયો છે. જો કે, આ વિડીયો એક વર્ષ જૂનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ દારૂની બોટલ અને મહેફિલ જોતાં કાયદો અને વ્યવસ્થા અંગે પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે. રાત્રિ સમયનો અને કોઈપણ બેકગ્રાઉન્ડ વગરનો વિડીયો હોવાથી હાલ બુટલેગરોને આ પ્રકરણમાં છટકબારી મળી ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સુરત જિલ્લામાં તસ્કરો બાદ બુટલેગરો બેફામ બન્યા હોય તેમ કોરોનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરીને એક પછી એક બુટલેગરોના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. સુરત જિલ્લાના કડોદરા પલસાણા બાદ હવે બારડોલી ખાતે જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થયો છે. બારડોલી નગરના પટેલ ફળિયામાં રહેતો કેયુર ભંડારી પોલીસના નાક નીચે દારૂનો વેપલો કરે છે. અને એ જ કેયુર ભંડારી નામના બુટલેગરનો વિડીયો હાલ વાયરલ થયો છે. જેમાં બુટલેગર કેયુર ભંડારી અને મોટી સંખ્યામાં યુવાનો દારૂ અને બિયરની બોટલો લઇ નાચગાન કરી રહ્યા છે. અને જે દૃશ્યો મુજબ આ વિડીયો હાલ વાયરલ થયો છે.
ગત રાત્રિ દરમિયાન જ વિડીયો વાયરલ થતાં પોલીસ કેયુરના ભાઈને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી હતી. જેના નિવેદન બાદ સમગ્ર પ્રકરણમાં ઠંડું પાણી રેડી દેવાયું છે. બુટલેગરનો વાયરલ થયેલો વિડીયો એક વર્ષ જૂનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ વિડીયો રાત્રિ દરમિયાનનો હોવાની સાથે બેકગ્રાઉન્ડમાં કોઈ દૃશ્યો નજરે ન પડતાં હોવાથી છટકબારી મળી ગઈ છે. જો કે, કેયુર ભંડારી હાલ કડોદરાના એક ગુનામાં વોન્ટેડ હોવાનું પણ જાણવા મળ્યું છે.