દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા શાસ્ત્રી રોડ પર ગાંધીનગર સોસાયટીના રહીશોની માગને આધારે ટ્રાન્સફોર્મર મૂકવાની કરવામાં આવી રહેલી કામગીરી બારડોલી નગરપાલિકાએ અટકાવી હતી. જેને લઈને સોસાયટીના રહીશોમાં રોષ જોવા મળ્યો હતો. સોસાયટીની માલિકીની જગ્યામાં ટ્રાન્સફોર્મર મૂકવાની જગ્યાએ પાલિકાની જગ્યામાં મૂકવામાં આવતાં નગરપાલિકાએ કામગીરી અટકાવી હોવાનું જાણવા મળે છે.
બારડોલીના શાસ્ત્રી રોડ પર આવેલી ગાંધીનગર સહકારી ઘર મંડળી લિમિટેડમાં લો વૉલ્ટેજને કારણે રહીશોએ વીજ કંપનીમાં રજૂઆત કરી હતી. જેને પગલે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મોટું ટ્રાન્સફર મૂકવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ટ્રાન્સફોર્મર મૂકવા માટે બારડોલી નગરપાલિકાએ પણ ના વાંધા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. જો કે વીજ કંપની દ્વારા આ પ્રમાણપત્રમાં દર્શાવવામાં આવેલી શરતોનું પાલન કરવામાં નહીં આવતા પાલિકા દ્વારા આ કામગીરી અટકાવવામાં આવી છે.
પાલિકાએ સોસાયટીની માલિકીની જમીનમાં કોઈને નડતરરૂપ ન થાય તે રીતે પાલિકાના અધિકારીને સાથે રાખીને ટ્રાન્સફોર્મર મૂકવામાં આવે તે રીતે મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ વીજ કંપનીએ પાલિકાની જગ્યામાં ટ્રાન્સફોર્મર મૂકતા પાલિકાએ કામગીરી અટકાવી હતી.