ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. આથી ડેમમાંથી પાણી છોડવામાં આવતા સુરત જિલ્લામાંથી પસાર થતી તાપી નદીની જળ સપાટીમાં વધારો થયો છે. બારડોલીના હરિપુરા ખાતે આવેલો કોઝવે ફરી એક વખત પાણીમાં ડૂબી જતાં વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો હતો.
મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડી રહેલા વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. હાલ ઉકાઈ ડેમમાં 1,05,010 ક્યુસેક પાણીની આવક સામે 1,74,855 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડેમની સપાટી 342.04 ફૂટ છે. ઉપરવાસમાં વરસાદની આગાહીને કારણે તંત્ર સાબદું થઈ ગયું છે. વધી રહેલી પાણીની આવકને કારણે મોડી સાંજ સુધીમાં 1.95 લાખ ક્યુસેક પાણી છોડાય તેવી સંભાવના સેવાઇ રહી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ જાહેર કરી દેવાયા છે.
ડેમના 8 દરવાજા 6 ફૂટ અને પાંચ દરવાજા 4 ફૂટ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. સતત પાણી છોડવામાં આવતા કડોદ નજીક તાપી નદી પરનો કોઝવે ફરી એક વખત ડૂબી જતાં નદી પારના 12 જ જેટલાં ગામોનો સંપર્ક કપાઈ ગયો છે.