સુરત જિલ્લાના બારડોલીમાં હવે વૃક્ષો પણ સલામત રહ્યા નથી. બારડોલી ધામડોદ ખાતે આવેલ વૃક્ષ બોન્સાઈ આર્ટ નામની નર્સરીમાંથી એક મોપેડ ઉપર આવેલું દંપતી બોન્સાઈ પ્લાન્ટની ચોરી કરી જવાની ઘટના CCTV ફૂટેજમાં કેદ થતાં ભારે ચર્ચા ચાલી હતી. નર્સરીના માલિકે ઘટના અંગે બારડોલી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ધામડોદ ગામની સીમમાં આવેલ વૃક્ષ બોન્સાઈ આર્ટ નામની નર્સરીમાંથી બોન્સાઈ પ્લાન્ટની ચોરી થઈ જવાની વિચિત્ર ઘટના બની હતી.
બારડોલી નગરમાં બંધ ઘર, લારી ગલ્લાઓ તસ્કરોનાં નિશાન ઉપર તો છે જ, પરંતુ હવે નર્સરીનાં વૃક્ષો પણ સલામત રહ્યાં નથી. ઘટના એવી છે કે, ધામડોદ રોડ પર આવેલી ગંગોત્રી સોસાયટીની બાજુમાં બાલાજી પ્લાઝાની નીચે ખુલ્લી જગ્યામાં નિલેષકુમાર કાંતિલાલ પટેલની વૃક્ષ બોન્સાઈ આર્ટ નર્સરી આવેલી છે. જેમાં ગત 13 જૂનના રોજ બપોરના 3.45 કલાકે એક મોપેડ પર એક દંપતી આવ્યું હતું. જેના હાથમાં પ્લાસ્ટિકનું ટબ હતું. અને જોતજોતામાં કમ્પાઉન્ડમાંથી હાથ લંબાવી 10 હજાર રૂપિયાની કિંમતનું બોન્સાઈ પ્લાન્ટની ચોરી કરી ગયા હતા. સમગ્ર ઘટના સામેની સોસાયટી ના એક સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ જતાં આ નર્સરીના માલિકે બારડોલી પોલીસ સ્ટેશનમાં આ અંગે તપાસ કરવા લેખિત ફરિયાદ કરી છે.