બારડોલી નગરપાલિકાના કચરા કૌભાંડ બાદ આરોગ્ય વિભાગ પણ નિષ્ક્રિય હોય તેમ શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આચાર્ય તુલસી માર્ગ પર બારડોલી નગર ભાજપા કાર્યાલય પાસે પશુપાલકોએ ફરી એક વખત રસ્તા પર ગંદકી કરવાનું શરૂ કરતાં આસપાસની સોસાયટીના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતાં મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે. છતાં નગરપાલિકાનો આરોગ્ય વિભાગ નિદ્રાધીન જોવા મળી રહ્યો છે.
બારડોલી નગરપાલિકાના ચાલુ ટર્મના શાસકો તદ્દન નબળા સાબિત થઈ રહ્યા છે. સંગઠનના ઇશારે ચાલતા શાસકો એ પણ ભૂલી ગયા છે કે તેમને ચૂંટીને મોકલનાર પ્રજાજનોની પ્રાથમિક સુવિધા મળી રહે તેની તકેદારી રાખવાની જવાબદારી તેમની છે. શાસકો અને અધિકારીઓ દ્વારા પશુપાલકો સામે રખડતાં પશુને લઈને તો કાર્યવાહી થતી જ નથી, પરંતુ ગંદકી કરનાર પશુપાલકો સામે પણ નગરપાલિકા શાસકો અને અધિકારીઓ પાણીમાં બેસી જતાં છેવટે ભોગવવાનું સામાન્ય જનતાને આવે છે.
શાસક પક્ષના નેતાઓની રોજ જ્યાં અવરજવર રહે છે તે બારડોલી નગર ભાજપ કાર્યાલય પાસે આવેલ પશુપાલકોની વસાહત પાસે અડધો રોડ રોકીને ઉકરડો બનાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં અવધૂતનગર તરફ જતાં રોડ અને સાઈ દર્શન તરફ જતાં રોડ પર પણ ગંદકીનો સામ્રાજ્ય છે. અડધો રસ્તો ઉકરડાએ રોક્યો છે તો આ જ સ્થળે ગાયોનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે. રસ્તા પર જ મળમૂત્રનો ઢગ કરવામાં આવતા મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. સ્થાનિક રહીશોએ અનેક વખત પાલિકામાં ફરિયાદ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરાતી નથી.