બારડોલીમાં ધીમે પગલે કોરોના ફરી પ્રવેશી રહ્યો છે. હાલમાં બારડોલીની એક ખાનગી હોસ્પિટલમાં 11 જેટલા શંકાસ્પદ કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હોવાની વિગતો સામે આવી છે. જો કે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં નીલ કેસ બતાવવામાં આવી રહ્યા છે.
સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટછાટ અને તહેવારોમાં માનવ મહેરામણ ભેગું થવાને કારણે કોરોના ફરી માથું ઊંચકી રહ્યો છે. હાલ મહારાષ્ટ્ર અને કેરલમાં કેસોની સંખ્યા વધી રહી છે, ત્યારે સુરત જિલ્લામાં પણ ધીમે પગલે કોરોનાની ત્રીજી લહેરની એન્ટ્રી થઈ રહી હોવાનું બહાર આવ્યું છે.
બારડોલીમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં હાલ 11 જેટલા શંકાસ્પદ કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. જો કે સત્તાવાર રીતે કોરોનાની તપાસ કરવામાં આવતી ન હોવાથી કોરોનાના સાચા આંકડા બહાર આવી શકતા નથી. વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર પણ ધીમે પગલે આગળ વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા આગોતરું આયોજન કરી નક્કર પગલાં ભરે તે જરૂરી બની ગયું છે. નહિતર પહેલી અને બીજી લહેરમાં જે રીતે અંધાધૂંધી સર્જાય હતી તેવી ફરી સર્જાય તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. બીજી તરફ તંત્ર માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનું પણ પાલન કરાવે તેવી માગ પણ ઉઠવા પામી છે. આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ હાલ જિલ્લામાં માત્ર 8 જ દર્દી સારવાર હેઠળ છે.