બારડોલી સહિત પલસાણા, વાંકલ, હથોડા, ઓલપાડ સહિતના વિસ્તારોમાં ભારે હૈયે શ્રીજીને વિદાય અપાઈ હતી. બારડોલીના તેન નજીક કુદરતી તળાવમાં ગણપતિનું વિસર્જન કરાયું હતું. ભારે ઉહાપોહ બાદ તંત્ર દ્વારા પરંપરાગત રૂટ પર વિસર્જન યાત્રાને મંજૂરી આપવામાં આવી હતી. જો કે, ગણ્યાગાંઠ્યા ગણેશ મંડળોને બાદ કરતાં મોટા ભાગનાં ગણેશ મંડળો વિસર્જન યાત્રામાં જોડાવાની જગ્યાએ સીધા જ તેન ખાતે આવેલા તળાવમાં વિસર્જન કર્યું હતું.
કોરોના મહામારી બાદ ચાલુ વર્ષે પહેલી વખત સરકાર દ્વારા તહેવારોમાં છૂટછાટ આપવામાં આવી હતી. જેને કારણે ગણેશોત્સવમાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દસ દિવસ બાપાની ભક્તિભાવપૂર્વક આરાધના કર્યા બાદ રવિવારના રોજ ભક્તોએ ભીંની આંખે બાપાને વિદાય આપી હતી. બારડોલીમાં વહીવટી તંત્રએ તળાવ બનાવવાની તસ્દી ન લેતાં છેવટે તેનના કુદરતી તળાવમાં વિસર્જન માટેની તૈયારી કરવામાં આવી હતી. ઘરમાં સ્થાપના થયેલી મૂર્તિની મોટા ભાગના પરિવારોએ ઘરમાં જ ઇકોફ્રેન્ડલી રીતે ગણેશજીનું એક મોટા પાત્રમાં વિસર્જન કર્યું હતું.
જ્યારે અન્ય મૂર્તિઓનું તેન તળાવમાં વિસર્જન કરાયું હતું. સાંજે પાંચ વાગ્યા સુધીમાં તેન તળાવમાં 2થી 4 ફૂટ સુધીની 243 અને 2 ફૂટથી નાની 300 જેટલી મૂર્તિનું વિસર્જન કરાયું હતું. વિસર્જન યાત્રા માટે તંત્રે છેલ્લી ઘડીએ પરંપરાગત રૂટ યથાવત રાખવાની જાહેરાત કરી હતી, પરંતુ એ રૂટ તેન સુધી આવવા માટે લાંબો પડતાં મોટા ભાગનાં મંડળો સીધા જ તેન તળાવ પર પહોંચી શ્રીજીનું વિસર્જન કર્યું હતું. 15 જેટલાં મંડળો જ આ વખતે યાત્રામાં જોડાયાં હતાં. મોડી સાંજ સુધી કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી. પોલીસે વિસર્જન દરમિયાન ચાંપતો બંદોબસ્ત રાખતાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન ચાલી રહ્યું છે. બારડોલીના જલારામ મંદિરમાં નાળિયેરના છોતરામાંથી બનનાવવામાં આવેલા ગણેશજીનું મંદિરમાં જ એક પાત્રમાં વિસર્જન કરાયું હતું.
પલસાણા તાલુકા સહિત કડોદરા નગરમાં ઠેર ઠેર ગણપતિની મૂર્તિની સ્થાપના કરાઈ હતી. પલસાણા પોલીસ વિસ્તારમાં 55 જેટલી ગણેશજીની પ્રતિમાને મીંઢોળા નદી સહિત કારેલી, પુણી, ઇટાળવા, વણેસા, વિજોળીયા ગામનાં તળાવમાં વિસર્જિત કરાઈ હતી. જ્યારે કડોદરા નગરની ૨૦૦ જેટલી મૂર્તિનું વિસર્જન અંત્રોલી મામાદેવ તળાવમાં શ્રદ્ધાપૂર્વક કરાયું હતું. માંગરોળ અને ઉમરપાડા તાલુકા ખાતે વિઘ્નહર્તા ગણેશજીનું ભાવપૂર્વક વિસર્જન કરાયું હતું. ઉમરપાડામાં આઠ ગણેશ મૂર્તિઓ અને માંગરોળ પોલીસના હદ વિસ્તારમાં 56 જેટલી મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. માંગરોળના વાંકલ ખાતે 6 જેટલી મૂર્તિનું ભારે હૈયે ભૂખી નદીમાં અને નાની ફળીના ચેકડેમ ખાતે વિસર્જન કરાયું હતું.
વાંકલ, આંબાવાડી, કંસાલી, વેરાકુઈ, ઝંખવાવ, નાંદોલા આજુબાજુનાં વિવિધ ગામોમાં ગણેશજીનું વિસર્જન કરાયું હતું.
તરસાડી, કોસંબા, કીમ ચાર રસ્તા, હથોડામાં રવિવારે નાની-મોટી શ્રીજીને પ્રતિમાઓનું તરસાડીના જૂના તળાવ, પંડવાઈ નહેર, ઉટિયાદરા નહેર ખાતે તેમજ કીમ નદીમાં શાંતિપૂર્વક વિસર્જન કરાયું હતું. કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના તરસાડી, કોસંબા, કુંવારદા, હથુરણ, મહુવેજ, સાવા, નંદાવ મોટી પારડી, કઠવાડા, નાના બોરસરા, વેલાછા, લીંબાડા, શેઠી, પાણેથા, હથોડા, મોટી નરોલી, મોટા બોરસરા, પાનસરા, નવાપરા, કીમ ચાર રસ્તા, પાલોદ, પીપોદરા, લીડિયાત, લીમોદરા, ભાટકોલ, કોઠવા વગેરે ગામડાંમાંથી વાજતે ગાજતે 150 જેટલી શ્રીજીની પ્રતિમાનું સવારે 12થી સરઘસ કાઢી કોરોનાની ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખી વિસર્જન કરાયું હતું. કામરેજ તાલુકામાં 16 કૃત્રિમ તળાવમાં રવિવારે સાંજ સુધી નાની-મોટી મળી કુલ 250થી વધુ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.