Dakshin Gujarat

બારડોલીમાં એટીએમ વોટરમાં ગુણવત્તાનો અભાવ

બારડોલીમાં ચાલતા એ.ટી.એમ. વોટર સર્વિસમાં અનિયમિતતા આવતા તેમજ પાણીની ગુણવત્તા નહીં જળવાતી હોવાથી નગરજનોએ ફરિયાદ કરતાં પાલિકા તંત્ર તુરંત હરકતમાં આવ્યું હતું અને વોટર સપ્લાય કરતાં વાહનોને પાલિકા ખાતે મુકાવી દીધા હતા. નગરજનોને સસ્તું અને ગુણવતાયુક્ત પાણી મળી રહે એ માટે આ એ.ટી.એમ. વોટર સર્વિસ શરૂ કરવામાં આવી હતી અને જેનો કોન્ટ્રાક્ટ નાસિકની એજન્સીને સોંપવામાં આવ્યો હતો.

પરંતુ યોગ્ય સર્વિસ અને ગુણવતાયુક્ત પાણી નગરજનોને નહીં મળતાં પાલિકા દ્વારા વોટર સપ્લાય કરતાં વાહનો શુક્રવારે બપોર બાદ પાલિકા કેમ્પસમાં મુકાવી દીધા બાદ એજન્સીને જાણ કરી હોવાનું જાણવા મળે છે. આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી નગરજનોને ઘર આંગણે પીવાના ઠંડા પાણીની સુવિધા મળી રહે એ માટે પાલિકા દ્વારા એક વર્ષ અગાઉ જળતૃપ્તિ યોજના હેઠળ જીવનધારા મોબાઈલ વોટર એ.ટી.એમ. સર્વિસ શરૂ કરવામાં આવી હતી.

જેમાં એક રૂપિયામાં એક લીટર, પાંચ રૂપિયામાં સાત લીટર, જ્યારે એટીએમ કાર્ડથી 10 રૂપિયામાં 20 લીટર પાણી આપવાનું નક્કી કરાયું હતું. અને જેનો કોન્ટ્રાક્ટ એક વર્ષ અગાઉ નાસિકની પ્રથમેશ એન્ટરપ્રાઇઝ, પંચવટી નામની એજન્સીને સોંપવામાં આવ્યો હતો. અને પાલિકા દ્વારા આ એજન્સીને બારડોલીના વોટર વર્કસ નજીક 500 મીટરની જગ્યા આપવામાં આવી હતી અને એજન્સી પાલિકાના વોટરવર્ક્સનું પાણી ફિલ્ટર કરી નગરજનો સુધી પહોંચાડતી હતી અને પાલિકા દ્વારા તેની પાસેથી લાઇટ બિલ તેમજ જગ્યાના ભાડાની રકમ ચૂકવવાનું નક્કી થયું હતું.

નગરજનો આ મોબાઈલ એટીએમ સર્વિસ દ્વારા ઠંડું પાણી ખરીદી રહ્યા હતા. પરંતુ થોડા માસ સમયસર સર્વિસ આપ્યા બાદ આ એજન્સી દ્વારા નગરજનોને સમયસર સર્વિસ ન આપતી હોય તેમજ પાણીની પણ ગુણવત્તા જળવાતી ન હોવાથી કેટલાક નગરજનોએ આ અંગે પાલિકામાં જાણ કરી હતી. તેમજ એજન્સીએ પાલિકા સાથે નક્કી થયેલું ભાડું 8 માસથી ચૂકવ્યું ન હતું તેમજ લાઇટ બિલ પણ ભરતી ન હોય જેથી પાલિકા તંત્ર હરકતમાં આવી નાસિકની પ્રથમેશ નામની એજન્સી સામે કડક પગલાં ભર્યાં હતાં. અને બારડોલીમાં વોટર સપ્લાય કરતાં એજન્સીનાં વાહનોને પાલિકા કેમ્પસમાં લાવી મૂકી દેવાયાં હતાં.

Most Popular

To Top