સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકા હદ વિસ્તારમાં રોજિંદા કચરાનું કલેક્શન કરતાં કર્મચારીઓ ગુરુવારના રોજ હડતાળ પર ઊતર્યા હતા. 100થી વધુ ટેમ્પો અને ટ્રેક્ટરના ચાલકો પગારવધારાની માંગ સાથે સામૂહિક હડતાળ પર ઊતરી ગયા હતા. અને પાલિકા ખાતે પહોંચ્યા બાદ અધિકારી અને પદાધિકારીઓ સાથે ચર્ચા કરી પરત ફર્યા હતા. ત્યારબાદ શુક્રવારે ફરી તેઓ કામે ન લાગતાં ચીફ ઓફિસરએ તેમની સાથે વાતચીત કરી મામલો થાળે પાડતાં આ કર્મચારીઓ બપોર બાદ રાબેતા મુજબ કચરા કલેક્શનની કામગીરીમાં જોડાયા હતા.
સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકાના આરોગ્ય સાથે જોડાયેલા કર્મચારીઓએ લડત શરૂ કરી હતી. બારડોલી નગરપાલિકા હદ વિસ્તારમાં 100થી વધુ ટ્રેક્ટર અને ટેમ્પો કચરા કલેક્શનનું કામ કરે છે. તેમના ડ્રાઈવરો છેલ્લા એક મહિનાથી નગરપાલિકામાં જઈ પોતાના ડેઇલી ભઠ્ઠાના વધારાની માંગ કરી રહ્યા હતા. જોકે આ બાબતે યોગ્ય જવાબ નહીં મળતા ગુરુવારના રોજ તમામ ડ્રાઈવરોએ એકસાથે હડતાળ ઉપર ઊતરી જઈ નગરમાંથી કચરો ઊંચકવાનું બંધ કરી દીધું હતું.
તમામ ડ્રાઈવરોએ બારડોલી રંગઉપવન ખાતે ભેગા થયા હતા. ડ્રાઈવરો 412 રૂ. રોજની માંગણી કરી રહ્યા હતા. ત્યારબાદ નગરપાલિક ખાતે ડ્રાઈવરોના કેટલાક આગેવાનો પહોંચ્યા હતા અને ત્યાં અધિકારી તેમજ પદાધિકારીઓ સાથે ચર્ચા કરી પરત ફર્યા હતા. બાદ શુક્રવારના રોજ પણ આ કર્મચારીઓ કામ પર ગયા ન હતા અને તેઓ ફરી રંગઉપવન ખાતે ભેગા થયા હતા. જેથી પાલિકાનાં ચીફ ઓફિસર કોમલ ઘીનૈયા ત્યાં સ્થળ ઉપર પહોંચ્યાં હતાં. અને કર્મચારીઓ સાથે વાટાઘાટો શરૂ કરી હતી.
વાતચીત દરમિયાન હકારાત્મક ઉકેલની ચીફ ઓફિસર દ્વારા ખાતરી આપવામાં આવતાં ટેમ્પો અને ટ્રેક્ટરના ચાલકોએ હડતાળ સમેટી લઈ બપોરના 1 વાગ્યા બાદ ફરી કચરા કલેક્શનની કામગીરી શરૂ કરી છે. પાલિકા હદ વિસ્તારમાં કચરાનું કલેક્શન કરતાં કર્મચારીઓ ગુરુવારના રોજ ડેઇલી ભઠ્ઠાના વધારાની માંગ સાથે હડતાળ પર ઊતર્યા હતા. અને શુક્રવારના રોજ પણ કામે ન લાગતાં બારડોલી શાકભાજી માર્કેટમાં ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળ્યા હતા. પરંતુ આ કર્મચારી બપોર બાદ આ કચરાના કલેક્શનની કામગીરી શરૂ કરી દીધી છે.