બારડોલી નાગપાલિકામાં 1.69 કરોડના કથિત કચરા કૌભાંડ મુદ્દે બુધવારના રોજ મળેલી ખાસ સામાન્ય સભામાં ચાર સભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન દોષિત જણાય તો કાયદાકીય કાર્યવાહી કરવા સુધીની સત્તા સમિતિને સોંપવામાં આવતાં નગરપાલિકા સ્ટાફમાં ખળભળાટ મચી ગયો હતો. બારડોલી નગરપાલિકા છેલ્લા કેટલાક દિવસોથી સતત વિવાદોમાં રહી છે. ગેરકાયદે બાંધકામ હોય કે પછી કથિત કચરા કૌભાંડ હોય તેમાં મોટા પાયે ગોબચારી થઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. કચરા કૌભાંડમાં તો ખુદ આરોગ્ય સમિતિના ચેરમેન કિશોર ચૌધરી દ્વારા જ ફરિયાદ કરવામાં આવી છે. તેમને કચરાના વજન બાબતે શંકા જતાં ખાસ સામાન્ય સભા બોલાવી તપાસની માગ કરી હતી. જેના અનુસંધાને બુધવારના રોજ પાલિકા પ્રમુખ ફાલ્ગુનીબેન દેસાઇની અધ્યક્ષતામાં ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ખાસ સામાન્ય સભામાં માત્ર કથિત કચરા કૌભાંડના એજન્ડા પર જ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિમાં પ્રમુખ ફાલ્ગુનીબેન દેસાઇ, કારોબારી અધ્યક્ષ નીતિન શાહ, બાંધકામ સમિતિના અધ્યક્ષ જેનીશ ભંડારી અને આરોગ્ય સમિતિના સભ્ય હિતેશ પારેખનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જરૂર જણાય તો કાયદાકીય સલાહ માટે વકીલની પણ સલાહ લેવામાં આવશે એમ પ્રમુખ ફાલ્ગુનીબેને જણાવ્યુ હતું. ત્રણ મિનિટ ચાલેલી આ ખાસ સામાન્ય સભામાં આગામી સામાન્ય સભા સુધીમાં તપાસ સમિતિ પોતાનો રિપોર્ટ રજૂ કરશે એવું નક્કી કરવામાં આવ્યું હતું.
જો કે સભામાં વિપક્ષના એક પણ સભ્યનો સમાવેશ નહીં કરવામાં આવતા અપક્ષ સભ્ય આરિફ પટેલે વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ જે તપાસ સમિતિ બનાવી છે તેમાં ચીફ ઓફિસરથી લઈ આરોગ્ય વિભાગ કે અન્ય કોઈ પણ વિભાગના અધિકારીઓ કે કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આથી આ કૌભાંડમાં એજન્સીની સાથે સાથે પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓની સંડોવણી બહાર આવે તેવી શક્યતા પ્રબળ બની છે. હાલ તો સમિતિની રચના થતાં કથિત કૌભાંડમાં સામેલ અધિકારીઓ અને એજન્સીમાં ફફડાટ વ્યાપી ગયો છે. જો કે, મોટા ઉપાડે સોંપેલી આ તપાસમાં સમિતિ દ્વારા ખરેખર ઊંડાણપૂર્વક તપાસ થશે કે માત્ર કાગળ પર જ ઘોડા દોડાવવામાં આવશે તે તો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે.