Charchapatra

બાપુનાં નામ  અને કામ

આજે નવી પેઢી કદાચ ગાંધીબાપુના નામ અને કામથી પરિચિત નથી. એમને સત્યની તાકાતની કદાચ ખબર જ નથી. યુવા પેઢી અહિંસાથી 7 ગાવ દૂર જ છે. બાપુએ વિશ્વને આપેલાં બે અમોઘ શસ્ત્રો “ સત્ય “ “ અહિંસા “ થી વાકેફ નથી. આત્મબળથી સલ્તનતને પણ હરાવી શકાય છે એવું માની શકશે નહીં. ગાંધીબાપુના ઉપવાસ તો હવે ભવિષ્યમાં પણ જોવા મળશે નહીં. બાપુની ઉપવાસ માત્રની જાહેરાતથી સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ સહિત આગેવાનોને ફાળ પડતી કે હવે શું થશે? હવે શું કરીશું?  અંતરાત્માનો અવાજ તો 2014 પછી આપણે સાંભળવાનું જ બંધ કરી દીધું છે.

નૈતિક મૂલ્યો સાફ સફાઈ સંપ સ્વાવલંબન સત્ય અને માત્ર સત્ય જ બોલવું, અહિંસા પર વધુ ભાર મૂકવો. બધું જ આપણે કેટકેટલું ભૂલી ગયાં છીએ. નવી પેઢીને શું શીખવીએ?  આજે ભારત તો ઠીક, વિશ્વના કોઈ પણ દેશમાં એક એવો નેતા બતાવો, જે પોતાના દેશની ગરીબી, બેકારી જોઈ કાયમ માટે વકીલનો થ્રી પીસ સુટ છોડી માત્ર એક પોતડી હંમેશા માટે ધારણ કરી લે. છે કોઈ આજના હાઈફાઈ નેતાઓના જમાનામાં આવા નેતા? દૂર દૂર સુધી કોઈ નજર આવશે નહીં.  ઓછામાં ઓછી જરૂરિયાતો રાખવી, ભોગવાદની નીતિને આપણે યાદ રાખી હોત કદાચ દેશ વધુ અમીર હોત. ગુજરાતના પોરબંદર જેવા નાનકડા શહેરમાં જન્મી વિશ્વનેતા ભારતના રાષ્ટ્રપિતા બનવું એ તમે આજે તો કલ્પી પણ ના શકો.

જેના એક બોલનું આખા વિશ્વમાં વજન પડે એવો નેતા હવે કદાચ આપણને જોવા નહીં મળે. જે નાથુરામ ગોડસે સહિતના કાર્યકરોએ ગાંધીવધ કર્યો હતો એ લોકો હવે મજબુરીમાં બાપુની પુણ્યતિથિ ઉજવવા બહુ ઉતાવળા બન્યા છે. ગાંધી નામ નહીં વિચારધારા છે.  ધરતી વરસોવરસ તપ કરે પછી યુગપુરુષ ગાંધી જન્મે છે. આવા મહાન એકમેવ લોકલાડીલા નેતાની સંપત્તિ જુઓ તો હાથે વણેલી ખાદી, કેડે બાંધેલી બાવા આદમના જમાનાની ઘડિયાળ, લાકડી અને રેંટિયો હતાં. વિશ્વના આ અણમોલ અનન્ય અને અતુલ્ય મહામાનવનાં ચરણોમાં સમગ્ર વિશ્વમાં વસતાં સત્ય અને અહિંસામાં વિશ્વાસ રાખનારાં કરોડો  ગાંધીપ્રેમીઓના બાપુનાં ચરણોમાં કોટિ કોટિ વંદન.
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top