સતત બે વર્ષ ગણેશ ઉત્સવ સહિતના મોટાભાગના તહેવારો પર કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું. તહેવારોની ઉજવણી ફિક્કી રહી હતી પણ હવે કોરોનાની અસર ધીરે-ધીરે ઓછી થઈ રહી હોવાથી તહેવારોનો માહોલ પૂર્વવત થઈ રહ્યાા છે. આઝાદીકા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુરતીઓએ ગણેશ ઉત્સવની રંગે ચંગે ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મોટા આયોજક મંડળોએ ધૂમધડાકા અને DJના તાલ તથા લેજીમની રમઝટ વચ્ચે ગણપતિને લાવી રહ્યાા છે. લાખોના ખર્ચે થીમ આધારિત ભવ્યાતિભવ્ય મંડપ તૈયાર કરી દેવમાં આવ્યા છે.
મોટા આયોજક મંડળોને પ્રતિમાઓની ભવ્ય સજાવટ કરવાની હોવાથી તેઓએ પ્રતિમાઓ લાવવાની શરૂઆત કરી દીધી છે. આગમન યાત્રામાં માનવમહેરામણ ઉમટી રહ્યુ છે. આયોજકો બે વર્ષની કસર પુરી કરવા માટે દસે દિવસ ધાર્મિક, દેશભક્તિ અને સાંસ્ક્રુતિક તથા સેવાકીય કાર્યક્રમો માટે તડામાર તૈયારીઓ કરી રહ્યાા છે. હજી તો ગણેશ ઉત્સવ શરૂ થવાને અઠવાડિયાની વાર છે પણ ઉત્સવપ્રિય સુરતીઓએ ગણેશ ઉત્સવ માટેનો માહોલ અત્યારથી જ ક્રિએટ કરી દીધો છે.
ગણેશજીની ચાલુ આગમન યાત્રામાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
મોટા મંદિર યુવક મંડળના ગણપતિની આગમન યાત્રા દર વર્ષે ભવ્ય નીકળતી હોય છે. આ વખતે એક કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળી હતી જેમાં 2 હજારથી વધુ ભક્તો અને દર્શાનાર્થીઓ ઉમટી પડયા હતાં. મોટા મંદિર યુવક મંડળના મેહુલભાઈ જડીયાએ જણાવ્યું હતું કે ચાલુબ આગમન યાત્રા દરમિયાન વેનમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમા લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવતાને મહેકાવી હતી. આગમન યાત્રા વાડીફળિયા મહારાણા પ્રતાપ સર્કલ, એર ઇન્ડિયા કોટસફિલ રોડ ત્યાંથી અંબાજી રોડ, ખપાટીયા ચકલા ચાર રસ્તા ત્યાંથી સુભાષચોક ત્યાંથી ગોપીપુરા તીન બત્તી, ત્યાંથી પાણીની ભીંત અને ત્યાંથી હોડીબંગલા મોટા મંદિર સુધીની હતી. આગમન યાત્રા દરમિયાન દેશભક્તિની થીમ પરનો ટેબ્લો, સૂર્યપુર સંસ્કૃત પાઠશાળાના 21 ભ્રાહ્મણો દ્વારા ગણપતિ અથર્વશીર્ષના 1008 પાઠ કર્યા હતા તેનો એક ટેબ્લો, રામમંદિરની થીમનો એક ટેબ્લો તથા સાંસ્કૃતિક કાર્યક્રમોની થીમનો એક ટેબ્લો હતો. બેંજો વગાડવામાં આવ્યો હતો. 150 વ્યક્તિઓ દ્વારા લેઝીમ કરવામાં આવ્યું હતું. મંડપની થીમ સાઉથના મંદિર જેવી રાખવામાં આવી છે અને એરકન્ડિશન્ડ મંડપ છે જેમાં ભક્તો-દર્શાનર્થીઓને બેસવા માટે સોફા રાખવામાં આવ્યા છે. ગણેશજીની પ્રતિમા 5 ફૂટની છે અને રાજા સ્વારૂપની છે.
ભટાર ઓરોવીલ સોસાયટીના ગણેશ ઉત્સવમાં આઝાદીકા અમૃત મહોત્સવની થીમ
ઉમાભવન વાડી પાસેની ઓરોવીલ સોસાયટીમાં છેલ્લાં 28 વર્ષથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. ઓરોવીલ યુવક મંડળના પંકજભાઈ પટેલે જણાવ્યું કે, આ વખતે તેમની સોસાયટીમાં 7 ફૂટની ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે. પ્રતિમા મુંબઈના રચનાકાર પાસે બનાવવામાં આવી છે. રવિવારે તેમના ગણેશ પ્રતિમાની આગમન યાત્રા આશીર્વાદ પેલેસ ભટારથી ઉમાભવન અને ત્યાંથી ઓરોવીલ સોસાયટી સુધી દોઢ કિલોમીટર લાંબી નીકળી હતી. મુંબઈથી કિંગ સ્ટાર બેન્જોને બોલાવવામાં આવેલ. લેઝીમ અને ઢોલતાસાની વચ્ચે ભવ્ય યાત્રા નીકળી હતી. મંડપની થીમ આઝાદીકા અમૃત મહોત્સવની છે. જાણીતા પેઈન્ટર નટુભાઈ ટંડેલ પાસે આઝાદી કા અમૃત મહોત્સવનું પેઇન્ટિંગ તૈયાર કરાવવામાં આવી રહ્યુ છે અને 75 વર્ષમાં શું પ્રગતિ કરવામાં આવી તેમાં દર્શાવાશે તથા લાલકિલ્લાની પેઇન્ટિંગ સેન્ટરમાં તૈયાર કરાશે. સાથે જ બુલેટ ટ્રેનનું પણ પેઇન્ટિંગ તૈયાર કરાશે.
પીપલોદમાં ગણેશજીનું આગમન ભવ્ય આતશબાજીથી કરાયું
આ વખતે ગણેશજીની આગમન યાત્રામાં ઘણી જગ્યાએ બેન્જો મુંબઈથી લાવવામાં આવ્યું છે. પીપલોદમાં સારુનગર નજદીક પીપલોદચા વિધ્નહર્તા મંડળ દ્વારા 7 વર્ષથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. આ પીપલોદચા વિધ્નહર્તા મંડળના હરીભાઈ પાંડુએ જણાવ્યું કે આ વખતે રવિવારે કારગીલ ચોક પીપલોદથી સારુનગર સુધી નીકળેલી આગમન યાત્રામાં ભવ્ય આતશબાજી કરી ગણેશજીના આગમનને વધાવવામાં આવેલ. બેન્જો મુંબઈ બોરીવલીથી મંગાવવામાં આવેલ, પુણેરી ઢોલ, નાસિક ઢોલની તાલે ગણેશજીની એકથી સવા કિલોમીટરની ભવ્ય આગમન યાત્રા નીકળી હતી. 10 દિવસના કાર્યક્રમમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાશે તથા વિકલાંગ બાળકો માટેના કાર્યક્રમ કરવામાં આવશે. ગણેશજીની પ્રતિમાનો સ્કેચ મુંબઈના કલાકાર પાસે તૈયાર કરાવવામાં આવ્યો હતો અને પ્રતિમા સુરતમાં બનાવવામાં આવી છે.
સહારા દરવાજાના ગણેશજીની મોટાગાડામાં નીકળશે આગમન યાત્રા: પીરામીડ બનાવાશે
સહારા દરવાજા N.T.M. માર્કેટની ગલીમાં છેલ્લાં 22 વર્ષથી સહારા દરવાજા ચા મહારાજા મંડળ દ્વારા ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. આ ગ્રૂપના હરીશ પગારે અને ચિરાગ સાલવીએ જણાવ્યું કે તેમના ગણેશજીની પ્રતિમા મુંબઈથી બાય રોડ લાવવામાં આવી છે. શનિવારે ગણપતિની આગમન યાત્રા નીકળશે. મોટા ગાડામાં ગણેશજીની પ્રતિમાની શોભા યાત્રા નીકળશે. આગમન યાત્રા 4 કિલોમીટર લાંબી રહેશે જે DKM હોસ્પિટલ મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી પ્રારંભ થશે. ત્યાંથી અપના બજાર કોટસફિલ રોડથી લઈને ભાગળ ચાર રસ્તા અને ત્યાંથી ટાવર થઈને મોટી ટોકીઝ થઈને બેગમપુરા અને ત્યાંથી સહારા દરવાજા પહોંચશે. આ યાત્રામાં ઝાકમઝોળ જોવા મળશે. મુંબઇના ફેમસ બેન્ડસને પણ બોલાવવામાં આવ્યા છે. આગમન યાત્રામાં પિરામીડ બનાવશે. બ્રહ્માંડની થીમ પર મંડપ તૈયાર કરવામાં આવશે. દસ દિવસ રક્તદાન શિબીરના કાર્યક્રમ થશે.
પ્રાઈમ આર્કેડ પાસે અખંડ ભારતના સંકલ્પ દિવસે નીકળી ભવ્ય આગમન યાત્રા
અડાજણ પ્રાઈમ આર્કેડ પાસે વિશ્વ રાજા સાર્વજનિક ઉત્સવ મંડળ દ્વારા છેલ્લાં 12 વર્ષથી ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. કોરોનાના બે વર્ષ બાદ આ મંડળ દ્વારા આ વર્ષે વાજતે-ગાજતે ભવ્ય ઝાકમઝોળ વચ્ચે ગણેશજીની 11 ફૂટની પ્રતિમાની આગમન યાત્રા 14 ઓગસ્ટ અખંડ ભારતના સંકલ્પ દિવસે નીકળી હતી. વિશ્વ રાજા સાર્વજનિક ઉત્સવ મંડળના હિરેનભાઈએ જણાવ્યું કે કોરોના કાળમાં ઉત્સવ નહીં થઈ શકેલા તેની કસર આ વખતે પુરી કરવામાં આવી છે. લેઝીમ, ઢોલની રમઝટ વચ્ચે ભવ્ય આતાશબાજી વચ્ચે આગમન યાત્રા ચોકસી વાડીથી પ્રાઈમ આર્કેડ અને ત્યાંથી સ્કારલેટ મોલ સુધી શોભાયાત્રા નીકળી હતી. આ દરમિયાન ગણપતિજીના આગમનને વધાવવા 3000 થી વધુ હકડેઠઠ પબ્લિક ભેગી થઈ હતી.