Editorial

વિદેશી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મુકવો ભારત સરકાર માટે સહેલો નહીં હોય

Why India Is Seeking to Ban Private Cryptocurrencies In New Bill - TheStreet

જેણે સુરતના અનેક યુવાનો અને રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા તેવા બિટકોઈન સહિતના ક્રિપ્ટો કરન્સીનો ભાવ ધીરેધીરે એટલો વધી ગયો છે કે જેની કોઈ હદ નથી. ક્રિપ્ટો કરન્સીના જે રીતે ભાવ વધી રહ્યા છે તે બતાવી રહ્યું છે કે ક્રિપ્ટો કરન્સીમાં ખોટા ધંધા જરૂરથી થઈ રહ્યાં છે. ક્રિપ્ટો કરન્સીને વિદેશમાંથી ઓપરેટ કરવામાં આવી રહી છે આ સંજોગોમાં તેની પર સંપૂર્ણ પ્રતિબંધ શક્ય બને તેમ નથી, પરંતુ ભારત સરકારે દેશમાં ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મુકવાની તૈયારીઓ કરી છે. ક્રિપ્ટો કરન્સી એક પ્રકારે શેરબજારની સ્ક્રીપ્ટ જેવું જ છે. આ સંજોગોમાં ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મુકવાથી કોઈ ખાસ ફરક પડે તેમ નથી. ભારતમાં લાખો લોકો પાસે ક્રિપ્ટો કરન્સી છે ત્યારે આ સંજોગોમાં ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધને બદલે નિયંત્રણ મુકવાની જરૂરીયાત છે. ભારતે ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મુકવાની વાત કરતાં જ ક્રિપ્ટો કરન્સીના ભાવમાં મોટો ઘટાડો થઈ પણ થઈ ગયો છે.

ક્રિપ્ટો કરન્સી આમ તો સામાન્યજનની પહોંચની બહારની વાત છે. ક્રિપ્ટો કરન્સીને ખરીદનાર અને વેચનાર જાણકાર લોકો જ છે. ક્રિપ્ટોકરન્સી એક ડિજિટલ કરન્સી છે. ચલણી નાણાંની જેમ ક્રિપ્ટોકરન્સીને ફિઝિકલી રાખી શકાતી નથી. પરંતુ જે રીતે શેર ડીમેટ એકાઉન્ટમાં રહે છે તેવી જ રીતે ક્રિપ્ટો કરન્સી પણ ડીમેટ એકાઉન્ટમાં રહે છે. ક્રિપ્ટોકરન્સી પર કોઈનું નિયંત્રણ નથી અને તેને કારણે તેને કોઈ હેક પણ કરી શકતું નથી. ક્રિપ્ટોકરન્સીમાં જે રીતે ભારતીઓનો રસ વધી રહ્યો છે તે જોતાં ભારત સરકારને પણ તેમાં મોટો રસ પડ્યો છે અને તેને કારણે જ ભારત સરકાર પણ વિદેશી ક્રિપ્ટોકરન્સી પર નિયંત્રણ વધારીને પોતાની ક્રિપ્ટોકરન્સી ઊભી કરવા તરફ વિચારી રહી છે.

આરબીઆઈએ ભારતની પોતાની ક્રિપ્ટોકરન્સી તૈયાર કરવા માટે બીડું ઝડપ્યું છે. આરબીઆઈ દ્વારા ડિજિટલ કરન્સી લાવવામાં આવશે. અન્ય દેશોમાં ક્રિપ્ટોકરન્સીની જે પદ્ધતિ છે તેમાં એવું છે કે જે તે દેશની સેન્ટ્રલ બેંક દ્વારા જ ડિજિટલ સ્વરૂપમાં કરન્સી ઊભી કરવામાં આવે છે અને તેને ઈસ્યુ કરવાની સાથે ચલણી નોટની જેમ તેના માટે ગેરંટી પણ આપવામાં આવે છે. આ કરન્સીને ખરીદીને વેચી શકાય છે. આ કારણે જ હવે સંસદના શિયાળુ સત્રમાં વિદેશી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મુકવાની સાથે ભારત પોતાની ક્રિપ્ટોકરન્સી શરૂ કરે તેવું બિલ લાવવામાં આવી રહ્યું છે. હાલમાં આ બિલને ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ-2021 નામ પણ આપવામાં આવ્યું છે. આ બિલ દ્વારા અન્ય ક્રિપ્ટોકરન્સી પર સીધો નહીં પરંતુ જોગવાઈઓને આધારે પ્રતિબંધ મુકી દેવામાં આવશે. આ બિલમાં કેટલાક અપવાદો પણ હશે.

જો ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ આવશે તો ભારતમાં જેણે ક્રિપ્ટોકરન્સી ખરીદી છે અથવા રોકાણ કર્યું છે તેને મોટી મુશ્કેલીઓ ઊભી થશે તેવું નિષ્ણાતો જણાવી રહ્યાં છે. જોકે, અગાઉ પણ બિટકોઈન કૌભાંડ થયાં ત્યારે ભારત સરકારે ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધો મુકવાની જાહેરાતો કરી હતી પરંતુ પ્રતિબંધ મુકાયો નહોતો. ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મુકવાને કારણે રાજદ્વારી સંબંધો પર પણ અસરો થતી હોવાથી જ્યાં સુધી ભારત સરકાર દ્વારા સંસદમાં બિલ પાસ કરવામાં નહીં આવે અને જ્યાં સુધી તેની જોગવાઈઓને સ્પષ્ટ રીતે સમજવામાં નહીં આવે ત્યાં સુધી વિદેશી ક્રિપ્ટોકરન્સી વિશે કહેવું મુશ્કેલ છે. જોકે, સાથે સાથે ભારત સરકાર દેશની પોતાની જ ક્રિપ્ટો કરન્સી લાવે તો ભારતના રોકાણકારોને નવો વિકલ્પ જરૂરથી મળશે તે નક્કી છે.

Most Popular

To Top