SURAT

અડાજણના કરોડોના બંગલામાં કોર્પોરેટરની ગ્રાન્ટના બાંકડા મુકાયાનો વીડિયો વાયરલ થતા વિવાદ

સુરત : નગરસેવકોની ગ્રાન્ટમાંથી જાહેર જગ્યાઓ પર મુકાતા બાંકડાઓ ખાનગી ઇમારતોમાં મૂકીને પર્સનલ ઉપયોગ થતો હોવાની ગેરરીતી એકથી વધુ વખત બહાર આવી ચુકી છે. અગાઉ લિંબાયત, કોટ વિસ્તાર, રાંદેર અને વરાછામાં આ રીતે નગરેસવકોની ગ્રાન્ટમાંથી ખરીદાયેલા બાંકડા લોકોની આગાસી, એપાર્ટમેન્ટના ધાબા અને ફૂડ કોર્ટમાં મળી આવ્યા બાદ હવે રાંદેર ઝોનમાં અડાજણ ખાતે ત્રણ બંગલામાં નગરસેવકની ગ્રાન્ટમાંથી ખરીદાયેલા બાંકડા મુકાયા હોવાના ફોટો અને વિડિયો સાથે ઝોનમાં ફરિયાદ થતા ફરી બાંકડાઓનું ભુત ધુણ્યું છે.

આ બાબતે રાંદેર ઝોનમાં અને નગરસેવક બંનેને પણ ફરિયાદ કરાઇ છે. જો કે, હજુ સુધી કોઇ કાર્યવાહી કરાઇ નથી. ઝોન કહે છે કે, નગરસેવકની જવાબદારીમાં આવે છે અને નગરસેવક કહે છે કે અમે તપાસ કરાવીશું એમ કહી એક બીજાને ખો આપી રહ્યા હોવાનું પણ સ્થાનિકો લોકો જણાવી રહ્યા છે.

મળતી વિગતો મુજબ અડાજણ સ્થિત પૃથ્વી રો હાઉસના કરોડો રૂપિયાના ત્રણ બંગલામાં નગરસેવક કેતન મહેતાની ગ્રાન્ટમાંથી ખરીદાયેલા બાંકડા મુકાયા છે. અગાઉ આ બાંકડા પૃથ્વી રો હાઉસ સોસાયટીના ગેટ પર મુકેલા હતા તેને ખાનગી બંગલાઓમાં ગોઠવી દેવાતા વિવાદ થયો છે.

રાંદેર ઝોનમાં 5 જૂને સ્થાનિક રહેવાસીએ ફરિયાદ કરી હતી. આમ છતાં હજુ સુધી તપાસ કરવામાં આવી નથી. જેને લઇને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. એટલું જ નહીં એક બંગલાના માલિકે તો બાંકડા પરથી નગરસેવકનું નામ પણ ભુંસી નાંખ્યું હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં સોસાયટીની બહાર મુકેલા 4 બાંકડા ઉઠાવી કોઇએ બાજુમાં જ સાકાર થઇ રહેલા એપાર્ટમેન્ટના કેમ્પસમાં મુકાયા છે. જે ધૂળ ખાઇ રહ્યા છે.

Most Popular

To Top