અમદાવાદ: ચાર દિવસ થયા છતાં હજુ સુધી રાજ્યની સહકારી બેન્કોમાં ટ્રાન્ઝેક્શન પૂર્વવત્ત થઈ શક્યા નથી. રેન્સમવેરના એટેકે કરેલા નુકસાનને પગલે બેન્કોના સર્વર કાર્યરત થઈ શક્યા નથી. પરિણામે રાજ્યની સહકારી બેન્કોના લાખો ખાતેદારો હેરાન પરેશાન થઈ ગયા છે. એક અંદાજ અનુસાર ત્રણ દિવસમાં 8થી 10 હજાર કરોડના ટ્રાન્ઝેક્શન અટવાયા છે.
રાજ્યમાં અને સમગ્ર દેશની બેન્કના સર્વર પર ગઈ તા. 29મી જુલાઈએ રેન્સમવેર એટેક થયો હતો, જેના લીધે સૌથી વધુ અસર ગુજરાતની સહકારી બેન્કોના કામકાજ પર પડી હતી. સહકારી બેન્કોમાં ખાતું ધરાવતા ખાતેદારો યુપીઆઈ અને ડિજીટલ ટ્રાન્ઝેક્શન કરી શકતા નહોતા.
તે ઉપરાંત નાણાં ક્રેડિટ તો કરી શકે પરંતુ ખાતે ધારકો પોતાના જ એકાઉન્ટમાંથી નાણાં ડેબિટ કરી શકતા નથી. ચેક પણ રિટર્ન થઈ રહ્યાં નથી. મોટા ભાગના ટ્રાન્ઝેક્શન બેન્ક દ્વારા થતાં હોય છે ત્યારે રાજ્યમાં આ પ્રકારના એટેકના લીધે કરોડોનું નુકસાન થવાનો ભય છે, પરંતુ હજુ સુધી કોઈ નુકસાન થયું નથી.
શું સમસ્યા થઈ?
ગુજરાત સ્ટેટ કો.ઓપરેટિવ બેન્ક અને તેની સાથે સંકળાયેલી તમામ સહકારી બેન્ક દ્વારા સીએચ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં 29 જુલાઈથી તેના ઉપર એટેક થતા સર્વર ડાઉન થયા છે. હાલમાં સરકાર દ્વારા ફોરેન્સિક ઓડિટ કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈ નુકસાન થયું હોય તો જાણી શકાય.
દરમિયાન મહાગુજરાત બેન્ક એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ આર.બી. સરૈયાએ જણાવ્યું કે, રેન્સમવેર એટેકના લીધે 29 જુલાઈથી રાજ્યની સહકારી બેન્કોના સર્વર ડાઉન છે. છેલ્લાં ચાર દિવસથી ખાતેદારો હેરાન થઈ રહ્યાં છે. તેમના ખાતામાં નાણાં ક્રેડિટ થાય છે પરંતુ ખાતેદારો તે નાણાં ઉપાડી શકતા નથી. ચાર દિવસથી ચેક પણ ક્લિયરિંગમાં જઈ શક્યા નથી, જેના લીધે રોજનું 8થી 10 હજાર કરોડનું ટ્રાન્ઝેક્શન અટકી પડ્યું છે. સમસ્યાના નિરાકરણમાં હજુ એકાદ બે દિવસ લાગે તેવી સંભાવના છે.