સુરત: હીરા પેઢીઓના બેંક અકાઉન્ટ ફ્રિઝ (Bank account freeze) કરવાની ઘટનાને રાજ્યના ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગંભીરતાથી લીધી છે. હીરા ઉદ્યોગના અગ્રણી દિનેશ નાવડીયા સાથે ટેલિફોનિક માહિતી મેળવ્યા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કમિશનરને પણ આ અંગે ઝીણવટભરી તપાસ કરવા સૂચનાઓ આપી હોવાનું સામે આવ્યું છે. સમસ્યા ઉજાગર થયાના બીજા દિવસે પણ બેથી ત્રણ પેઢીના એકાઉન્ટ ફ્રિઝ કરાયાના અહેવાલો મળતા ફરી ચર્ચાનો વિષય બન્યો છે.
હીરા ઉદ્યોગના અગ્રણી દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે અજ્ઞાત સાઇબર ક્રાઇમ સાથે કનેકશન હોવાની શંકાએ ત્રાહિત વ્યક્તિ કે સંસ્થાના બેંક એકાઉન્ટ ફ્રિઝ કરવાની સમસ્યા ઉજાગર થયાના બીજા દિવસે પણ એવા અહેવાલો મળ્યા હતા કે સુરતની વધુ બે-ત્રણ ફર્મના બેંક એકાઉન્ટ એક મલ્ટીસ્ટેટ બેંક દ્વારા ફ્રીઝ કરાયા હોવાના પત્રો મળ્યા છે.
દરમિયાન આજે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી સાથે ટેલિફોનિક વાતચીત કરીને દિનેશ નાવડીયાએ સમગ્ર ઘટનાથી તેમને માહિતગાર કર્યા હતા. ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સમગ્ર હકીકતો સાંભળ્યા બાદ એવી પ્રતિક્રિયા આપી હતી કે આ સમગ્ર મામલામાં તળીયા ઝાટક તપાસ થવી જરૂરી છે. તેમણે સુરત પોલિસ કમિશનર અજયકુમાર તોમરને પણ સૂચનાઓ આપી હોવાનું જાણવા મળે છે. શ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ખોટી રીતે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાની ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરાશે. ઉદ્યોગકારોની બિનજરૂરી હેરાનગતિ ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે.