ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જવાબદારી રાષ્ટ્રિયકૃત બેંકોના કર્મચારીઓને સોંપવામાં આવી છે. 20મી ફેબ્રુઆરીને શનિવારના સવારે 9 વાગ્યાથી બેન્કના કર્મચારીઓને ચૂંટણી ફરજ પર હાજર થવાનો રાજ્ય ચૂંટણી કમિશનર દ્વારા આદેશ કરાયો છે.
જેને પગલે આજે સુરત રિજિયનમાં બેંક ઓફ બરોડાની 22 શાખા અને યુનિયન બેંકની પાંચ શાખાઓ બંધ રહી હતી. તે ઉપરાંત અન્ય બેંકોની શાખાઓ બંધ રહી હતી.
ગુજરાત બેંક વર્કસ યુનિયનના સંગઠન મંત્રી વસંત બારોટે જણાવ્યું હતું કે આવતીકાલે રવિવારે મતદાન થયા પછી મતપેટીઓ સમેટવાની પ્રોસેસ અને સેન્ટર પર જમા કરાવવાની પ્રોસેસમાં વિલંબ થવાની શક્યતા છે.
2019ની ચૂંટણી વખતે રાતે 2 વાગ્યા સુધી આ પ્રોસેસ ચાલી હતી. તેને પગલે રાજ્ય ચૂંટણી પંચે જે કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં જોડાયા હોય તેમને મતદાનના બીજા દિવસે એટલે કે સોમવારે રજા આપવાનો નિર્ણય લેવાયો છે.
એટલે કે જે બેંકોના 90 ટકા કર્મચારીઓ ચૂંટણીમાં જોતરાયા હશે તે શાખાઓ બંધ રાખવામાં આવશે. આજે શનિવારે પણ સવારે સાત વાગ્યાથી બેંકોના કર્મચારીઓને બૂથના આયોજનની જવાબદારી સોંપવામાં આવી હોવાથી જેં બેકોમાં કર્મચારીઓ ઓછા હતા તે બેંકો બંધ રાખવામાં આવી હતી.