યુનાઇટેડ ફૉરમ ઑફ બેંક યુનિયન્સ (યુએફબીયુ)એ 15 માર્ચથી બે દિવસીય બેંક હડતાલની અપીલ કરી છે. આ હડતાલ જાહેર ક્ષેત્રની બે બેંકોના ખાનગીકરણની વિરુદ્ધ કરવામાં આવી રહી છે. ગયા અઠવાડિયે રજૂ કરાયેલા બજેટમાં નાણાં મંત્રી નિર્મલા સીતારામને ડિસઇન્વેસ્ટમેન્ટ યોજનાના ભાગ રૂપે જાહેર ક્ષેત્રની બે બેંકો (પીએસબી)ના ખાનગીકરણની ઘોષણા કરી હતી. યુએફબીયુ સંસ્થા 9 યુનિયનનું નેતૃત્વ કરે છે.
સરકારે 2019માં સરકારે એલઆઈસીમાંથી બહુવિધ શેર વેચીને આઈડીબીઆઈ બેંકનું ખાનગીકરણ કર્યું. ત્યારે છેલ્લા ચાર વર્ષમાં જાહેર ક્ષેત્રની 14 બેંકો મર્જ કરવામાં આવી છે. ઑલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ યુનિયન (એઆઈબીઇએ)ના જનરલ સેક્રેટરી સીએચ વેન્કતાચલામે જણાવ્યું હતું કે, મંગળવારે મળેલી યુએફબીયુની બેઠક દરમિયાન બેંકોનું ખાનગીકરણ કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વેંકટચલામે કહ્યું કે, ‘કેન્દ્ર સરકારના બજેટમાં આઈડીબીઆઈ બેંકનું ખાનગીકરણ, એલઆઈસીમાં ડિસઇન્વેસ્ટમેન્ટ, સામાન્ય વીમા કંપનીનું ખાનગીકરણ, વીમા ક્ષેત્રમાં 74 ટકા સુધીની એફડીઆઈને મંજૂરી, પીએસયુના ડિસઇન્વેસ્ટમેન્ટ અને વેચાણ સંબંધિત બીજી ઘણી ઘોષણાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ઑલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ કન્ફેડરેશન (એઆઈબીઓસી)ના મહાસચિવ સૌમ્યા દત્તાએ કહ્યું કે, ‘બધા સાથે ચર્ચા કર્યા બાદ (15 અને 16 માર્ચ)એ હડતાલ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.