Sports

બાંગ્લાદેશી ક્રિકેટર તમીમ ઇકબાલને મેચ દરમિયાન હાર્ટ એટેક આવ્યો, હોસ્પિટલમાં દાખલ

બાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટન તમીમ ઇકબાલને હૃદયરોગનો હુમલો આવ્યો છે. મેચ રમતી વખતે તમીમ ઇકબાલને હાર્ટ એટેક આવ્યો હતો ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તમીમ ઇકબાલ ઢાકા પ્રીમિયર લીગ (DPL) માં મોહમ્મદન સ્પોર્ટિંગ ક્લબ તરફથી રમી રહ્યો હતો. ફિલ્ડિંગ કરતી વખતે તમીમ ઇકબાલે છાતીમાં દુખાવો થવાની ફરિયાદ કરી હતી.

આજે ઢાકા પ્રીમિયર લીગમાં મોહમ્મદન સ્પોર્ટિંગ ક્લબ અને શિનેપુકુર ક્રિકેટ ક્લબની ટીમો આમને-સામને હતી. આ દરમિયાન તમીમ ઇકબાલને હાર્ટ એટેક આવ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્ડિંગ કરતી વખતે તમીમ ઇકબાલને અસ્વસ્થતા અનુભવાવા લાગી, ત્યારબાદ તેને ફઝીલાતુનેશા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જોકે તમીમ ઇકબાલનો મેડિકલ રિપોર્ટ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. દરમિયાન બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના ફિઝિશિયન ડો. દેવાશીષ ચૌધરીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. તમીમ ઇકબાલે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતાની સાથે જ તેને હોસ્પિટલ લઈ જવા માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. ક્રિકેટ વેબસાઇટ ક્રિકઇન્ફો અનુસાર તમીમે 50 ઓવરની મેચની પહેલી ઇનિંગ દરમિયાન આ ફરિયાદ કરી હતી ત્યારબાદ તબીબી નિષ્ણાતો તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા.

તમને જણાવી દઈએ કે 70 ટેસ્ટ મેચ ઉપરાંત તમીમ ઇકબાલે 243 વનડે અને 78 ટી20 મેચોમાં બાંગ્લાદેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. ટેસ્ટ ફોર્મેટમાં તમીમ ઇકબાલે ૩૮.૮૯ ની સરેરાશથી ૫૧૩૪ રન બનાવ્યા. આ ઉપરાંત તેણે પોતાની ODI કારકિર્દીમાં 36.65 ની સરેરાશથી 8357 રન બનાવ્યા. તેણે બાંગ્લાદેશ માટે T20 ફોર્મેટમાં 117.20 ના સ્ટ્રાઇક રેટ અને 24.08 ની સરેરાશથી 1758 રન પણ બનાવ્યા. તમીમ ઇકબાલે વનડે મેચોમાં 10 સદી ફટકારી છે. આ ઉપરાંત તમીમ ઇકબાલના નામે ટેસ્ટ ફોર્મેટમાં 14 સદી છે. જ્યારે આ બેટ્સમેને T20 ફોર્મેટમાં એક વાર સદીનો આંકડો પાર કર્યો હતો.

Most Popular

To Top