બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બાંગ્લાદેશે સ્પષ્ટ કર્યું છે કે તેની રાષ્ટ્રીય ટીમ આ ટુર્નામેન્ટ માટે ભારત નહીં જાય. આ નિર્ણયની પુષ્ટિ બાંગ્લાદેશના રમતગમત સલાહકાર આસિફ નઝરુલે આજે 4 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા મારફતે કરી હતી.
આસિફ નઝરુલે જણાવ્યું કે BCBની ઉચ્ચસ્તરીય બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે હવે આ મુદ્દે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) શું વલણ અપનાવે છે તેની રાહ જોવામાં આવી રહી છે. કારણ કે ICC હાલમાં વર્લ્ડ કપ માટે અંતિમ સમયપત્રક તૈયાર કરી રહી છે.
નઝરુલે પોતાના સોશિયલ મીડિયા મેસેજમાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ભારત પ્રવાસ ન કરવાનો નિર્ણય લીધો છે અને તેને દેશના ક્રિકેટપ્રેમીઓ તરફથી સમર્થન મળી રહ્યું છે. તેમણે આ નિર્ણયને ભારતીય ક્રિકેટ બોર્ડની તાજેતરની નીતિઓ સામે પ્રતિભાવ તરીકે પણ ગણાવ્યો હતો.

આ સમગ્ર વિવાદની શરૂઆત IPL સાથે જોડાયેલી ઘટના બાદ થઈ હતી. બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી બહાર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સે તેમને ગયા IPL મીની હરાજીમાં 9.20 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા પરંતુ બાદમાં BCCIના નિર્દેશો અનુસાર KKRએ તેમને ટીમમાંથી મુક્ત કર્યા હતા.
આ નિર્ણય બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ખેલાડીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. BCBનું માનવું છે કે વર્તમાન પરિસ્થિતિમાં ભારતીય મેદાનો પર રમવું સુરક્ષાની દૃષ્ટિએ યોગ્ય નથી.
ઉલ્લેખનીય છે કે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન બાંગ્લાદેશની લીગ મેચો કોલકાતા અને મુંબઈમાં યોજાવાની હતી. સમયપત્રક મુજબ ટીમની પ્રથમ મેચ 7 ફેબ્રુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ સામે ઈડન ગાર્ડન્સમાં રમાવાની હતી. જોકે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને BCB ICCને પત્ર લખી મેચો શ્રીલંકામાં ખસેડવાની માંગ કરશે.
હવે સમગ્ર મામલે ICC શું નિર્ણય લે છે તેની તરફ સમગ્ર ક્રિકેટ જગતની નજર ટકી છે.