તારીખ 5 ઓગસ્ટ 2024 નો દિવસ બાંગ્લાદેશમાં શેખ હસીના વિરુદ્ધ વિરોધ હિંસક બની ગયો હતો. એક દિવસ પહેલા જ પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં કુલ 100 લોકોના મોત થયા હતા. દરમિયાન ઢાકાથી 1826 કિલોમીટર દૂર ભારતની રાજધાની દિલ્હીમાં 2 અરજીઓ મોકલવામાં આવે છે.
પ્રથમ અરજીમાં બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાને થોડા સમય માટે ભારત આવવાની પરવાનગી માટે અપીલ કરવામાં આવે છે. થોડા સમય પછી મોકલવામાં આવેલી બીજી અરજીમાં બાંગ્લાદેશી અધિકારીઓ ભારતમાં પ્રવેશવા માટે લશ્કરી વિમાન માટે મંજૂરી માંગે છે. પરવાનગી મળ્યા બાદ શેખ હસીનાનું પ્લેન સાંજે દિલ્હી ઉતરે છે.
ત્રણેય સેનાના વડા બાંગ્લાદેશના વડા પ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા…
5 ઓગસ્ટની સવારે 4 લાખ વિરોધીઓ બાંગ્લાદેશના રસ્તાઓ પર એકઠા થયા હતા. તેઓ કોઈપણ ભોગે વડા પ્રધાન શેખ હસીનાને સત્તા પરથી હટાવવા માટે બાંગ્લાદેશના વડાપ્રધાનના નિવાસસ્થાન તરફ કૂચ કરી રહ્યા હતા. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર દેશમાં બગડતા વાતાવરણને જોઈને ત્રણેય સેનાના વડા અને પોલીસ વડા શેખ હસીનાને મળવા માટે પીએમના નિવાસસ્થાને પહોંચે છે. આ સમયે તેમની બહેન શેખ રેહાના પણ ત્યાં હાજર હતી. હસીનાએ સુરક્ષા દળોના વડાને કોઈપણ ભોગે દેખાવકારોને રોકવાનો આદેશ આપ્યો હતો. જો કે તેઓએ તેને અશક્ય ગણાવ્યું.
આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાને કહ્યું કે દેશભરમાંથી લોકો ઢાકા પહોંચી રહ્યા છે. કેટલાક લોકો વડાપ્રધાનના આવાસની નજીક પહોંચી ગયા છે. હવે વડાપ્રધાનને બચાવવાનો એકમાત્ર રસ્તો લોકોને મારવાનો છે, નહીં તો નરસંહાર કરવો પડશે. તે પછી પણ આંદોલનકારીઓ કાબૂમાં આવશે તેની કોઈ ખાતરી નથી.
સેના પ્રમુખોની ચિંતા જોઈને રેહાનાએ હસીના સાથે ખાનગીમાં વાત કરવાનું કહ્યું. 20 મિનિટ પછી જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે હસીના મૌન હતા. જો કે તે હજુ પણ વિરોધીઓને કાબૂમાં રાખવા માટે અડગ હતા. આખરે આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને અમેરિકામાં રહેતા હસીનાના પુત્ર વાજેદ જોયને ફોન કર્યો.
આર્મી ચીફે વાજેદને હસીનાને મનાવવા કહ્યું. તેણે ફોન વડાપ્રધાનને આપ્યો. આ પછી હસીના થોડી મિનિટો સુધી મૌન રહ્યા. તે તેમના પુત્રની વાત સાંભળી રહ્યા હતા. અંતે તેઓએ માથું હલાવીને ‘હા’ પાડીને ફોન મૂકી દીધો. હસીના તેમના પુત્રના આગ્રહ પર બાંગ્લાદેશ છોડવા માટે સંમત થયા હતા, જો કે તે આમ કરવા માંગતા ન હતા.
બાંગ્લાદેશ છોડવા માટે માત્ર 1 કલાકનો સમય
દેશમાં બગડતી પરિસ્થિતિને જોતા આર્મી ચીફે અંદાજ લગાવ્યો કે હસીના પાસે બાંગ્લાદેશ છોડવા માટે 1 કલાકથી ઓછો સમય છે. બપોરે લગભગ 1 વાગે હસીના તેમની બહેન સાથે તેમના ક્વાર્ટરમાં આવ્યા હતા. રેહાનાના હાથમાં એક મોટી ફોટી ફ્રેમ હતી. બાંગ્લાદેશના અધિકારીઓ તેમના પ્રસ્થાન પહેલા હસીનાના રાષ્ટ્રને અંતિમ સંબોધનની તૈયારી કરી રહ્યા હતા. દરમિયાન થોડી મૂંઝવણ હતી. જીવંત પ્રસારણ કરનારી ટ્રક પીએમના નિવાસ સ્થાનને બદલે આર્મી ચીફના હેડક્વાર્ટરમાં પહોંચી ગઈ. બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનનો આ સૌથી મોટો સંકેત હતો.
હસીનાના સ્ટાફની હાજરીમાં તેઓને વાહનમાં બેસાડીને પીએમ આવાસથી લઈ જવામાં આવ્યા હતા. હસીનાની સુરક્ષા માટે તેમના કાફલામાં લગભગ 12 વાહનો સામેલ હતા. તેમણે આવાસના મુખ્ય દરવાજામાંથી જવાનો પ્રયાસ કર્યો. જ્યારે તેમને સફળતા ન મળી તો તેઓ અન્ય માર્ગે નીકળી પડ્યા. જો કે અહીં પણ વિરોધીઓની ભીડ હાજર હતી.
બખ્તરબંધ વાહનો મારફતે એરફિલ્ડ પર પહોંચ્યા
હસીનાની સુરક્ષામાં હાજર ટીમે મદદ માટે અપીલ કરી હતી. આ પછી સેનાના બખ્તરબંધ વાહનો ત્યાં પહોંચ્યા. ભીડને કોઈક રીતે અટકાવવામાં આવી અને હસીનાને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા. તેમને સીધા હેલિપેડ પર લઈ જવામાં આવ્યા. અહીંથી હસીના અને તેમની બહેન હેલિકોપ્ટર મારફતે એરફિલ્ડ પહોંચ્યા. ત્યારબાદ બંનેને મિલિટરી એરક્રાફ્ટમાં બેસાડીને બાંગ્લાદેશની બહાર લઈ જવામાં આવ્યા હતા.
બીજી તરફ હસીનાએ દેશ છોડ્યા બાદ આર્મી ચીફ વકારે વિપક્ષી પાર્ટીઓ સાથે ઈમરજન્સી બેઠક યોજી હતી. ત્યારબાદ તેમણે જનતાને સંબોધતા કહ્યું, “શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે. અમે વચગાળાની સરકાર બનાવીશું, અમે હવે દેશની કમાન સંભાળીશું. આંદોલનમાં જેમની હત્યા થઈ છે તેમને ન્યાય અપાશે.”
હસીનાનું C-130 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ 5 ઓગસ્ટના રોજ સાંજે લગભગ 6 વાગ્યે ગાઝિયાબાદના હિંડોન એરબેઝ પર ઉતર્યું હતું. અહીં ભારતના NSA અજીત ડોભાલે તેમનું સ્વાગત કર્યું. હસીના છેલ્લા 2 દિવસથી ભારતમાં છે. તે અહીં કેટલો સમય રોકાશે અને ભારત પછી તે ક્યાં જશે તેની માહિતી જાહેર કરવામાં આવી નથી.