બાંગ્લાદેશમાં ગુરુવારે સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. લગભગ દોઢ વર્ષ પહેલાં, 5 ઓગસ્ટ, 2024 ના રોજ વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળના બળવા દરમિયાન શેખ હસીનાની આવામી લીગ સરકાર ઉથલાવી દેવામાં આવી અને ઠેર ઠેર હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતા. છેલ્લા કેટલાક મહિનાઓની રાજકીય કટોકટી અને હિંદુ લઘુમતી વિરુદ્ધના અત્યાચારોથી સમાચારોમાં ઝળકતા રહેલા બાંગ્લાદેશની ચૂંટણીઓ પર ભારત-અમેરિકા સહિતના દેશોની નજર છે. બાંગ્લાદેશી પ્રશાસન દ્વારા મતદાન પહેલા તમામ જરૂરી તૈયારીઓ કરી લેવામાં આવી હોવાનું કહેવાયું છે.
દેશની સાંપ્રત પરિસ્થિતિ અને આંતરિક રાજકારણને કારણે અડધાથી વધુ મતદાન કેન્દ્રોને ‘જોખમી’ જાહેર કરાયા છે. પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ બહરુલ આલમના કહેવા મુજબ દેશભરના લગભગ 43,000 મતદાન કેન્દ્રોમાંથી 24,000 જેટલા કેન્દ્રો ઉચ્ચ અથવા મધ્યમ કક્ષાના જોખમી કેન્દ્રો ગણી શકાય. ચૂંટણી કમિશનર અબુલ ફઝલ મોહમ્મદ સનાઉલ્લાહે મંગળવારે મોડી રાત્રે મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, ‘સ્થાનિક સુરક્ષા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.’
અધિકારીઓના કહેવા મુજબ જોખમી મતદાન કેન્દ્રો પૈકીના 90% કેન્દ્રો સીસીટીવી દેખરેખ હેઠળ રહેશે. રાજધાની ઢાકામાં તૈનાત ઘણા પોલીસ અધિકારીઓ પણ બોડી કેમેરા ધારણ કરીને ડ્યુટી કરશે. આ ચૂંટણી અત્યાર સુધીના બાંગ્લાદેશના ચૂંટણી ઇતિહાસમાં સૌથી મોટી અને મહત્વની ગણાશે. આ વખતે મોટી સંખ્યામાં સુરક્ષા કર્મચારીઓ તૈનાત હશે અને ટેકનોલોજીનો સૌથી વ્યાપક ઉપયોગ થશે.
ચૂંટણીની રેસમાં કોનો ઘોડો આગળ? હિન્દુઓને ખુશ કરવા છેલ્લી ઘડીના પ્રયત્નો
તમામ મુખ્ય પક્ષોએ જોરશોરથી પ્રચાર કર્યો છે. ગયા વર્ષે, દેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાની આવામી લીગની વચગાળાની સરકારનું વિસર્જન કર્યું હતું. અને તેમને ચૂંટણી લડવાથી પ્રતિબંધિત કર્યા હતા. ચૂંટણી પૂર્વેના સર્વેક્ષણોમાં BNP આગળ દેખાઈ હતી. BNPના નવા અધ્યક્ષ તારિક રહેમાન આગામી વડા પ્રધાન બનવાની રેસમાં સૌથી આગળ જણાઈ રહ્યા છે.
આ દરમિયાન મતદાનના એક દિવસ પહેલા જ બાંગ્લા. સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગ્ટ ડિસેમ્બરમાં જાહેરમાં મોબ લિંચિંગનો ભોગ બનેલા હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસના પરિવારને ૫૦ લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા થોડા સમયથી બાંગ્લાદેશમાં વસ્તી હિંદુ લઘુમતી પોતાના પર થઇ રહેલા અત્યાચારોથી દુઃખી અને નારાજ છે. ત્યારે મતદાનના એક જ દિવસ પહેલા દીપુ દાસના પરિવારને આર્થિક સહાય જાહેર કરવાનું પગલું હિંદુઓને ખુશ કરવાના પગલા તરીકે જોવાઈ રહ્યું છે.