World

સરકાર બદલાતા બાંગ્લાદેશના તેવર બદલાયા, ભારતને આપી ધમકી, દુશમનને મદદ કરશો તો…

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના આંદોલનને લઈને ચાલી રહેલી અશાંતિ વચ્ચે શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને ભારતમાં શરણ લીધી છે. આ કારણે તેમના કટ્ટર હરીફ અને બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાની પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ભારતથી નારાજ છે.

પાર્ટીએ કહ્યું છે કે જો ભારત શેખ હસીનાની મદદ કરશે તો તેની સાથે સહયોગ ચાલુ રાખવો મુશ્કેલ બનશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા, BNPના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી ગેશ્વર રોયે કહ્યું કે તેમની પાર્ટી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પરસ્પર સહયોગને સમર્થન આપે છે પરંતુ જો તમે અમારા દુશ્મનને મદદ કરશો, તો અમારા માટે અમારો પરસ્પર સહયોગ ચાલુ રાખવો મુશ્કેલ બનશે.

તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભારતે શેખ હસીનાની સત્તામાં વાપસીનું સમર્થન કર્યું હતું. ગેશ્વર રોયે વધુમાં કહ્યું કે, ભારત શેખ હસીનાને લઈ જઈ રહ્યું છે. ભારત અને બાંગ્લાદેશના લોકોને એકબીજાથી કોઈ સમસ્યા નથી. પરંતુ શું ભારતે સમગ્ર દેશને બદલે એક પક્ષનો પ્રચાર કરવો જોઈએ?

ભારતમાં રહેતી શેખ હસીના ક્યાં જશે?
શેખ હસીના હાલ ભારતમાં છે પરંતુ તે ક્યાં જશે તે અંગે અસમંજસ પ્રવર્તી રહી છે. તે હજુ સુધી સ્પષ્ટ નથી કે તે ભારતમાં રહેશે, અન્ય કોઈ દેશમાંથી આશ્રય લેશે કે બાંગ્લાદેશ પરત ફરશે. દરમિયાન તેના પુત્ર સજીબ વાજેદે તાજેતરમાં કહ્યું હતું કે બાંગ્લાદેશમાં લોકશાહી પુનઃસ્થાપિત થતાં જ તેની માતા તેના દેશમાં પરત ફરશે.

બાંગ્લાદેશથી ભાગી ગયા બાદ શેખ હસીના તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. જો કે તેમનો પુત્ર સજીબ વાજેદ સતત મીડિયા સાથે વાત કરી રહ્યો છે. તેણે તેની માતાની રક્ષા કરવા બદલ ભારત સરકારનો આભાર માન્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે. તેણે તે અહેવાલોને પણ નકારી કાઢ્યા છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે શેખ હસીનાએ બ્રિટનમાં રાજકીય શરણ માંગી છે.

બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની રચના
ગુરુવારે સાંજે બાંગ્લાદેશના નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને તેમને શપથ લેવડાવ્યા હતા. શપથ લીધા બાદ યુનુસે કહ્યું કે હું બંધારણની રક્ષા, સમર્થન અને જાળવણી કરીશ.

Most Popular

To Top