World

બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે આરક્ષણ વધારવાનો નિર્ણય રદ્ કર્યો: આરક્ષણ મર્યાદા 56% થી ઘટાડીને 7% કરાઈ

બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલતે સરકારી નોકરીઓમાં 56% અનામત આપવાના ઢાકા હાઈકોર્ટના નિર્ણયને રદ કરી દીધો છે. કોર્ટે રવિવારે આરક્ષણને 56% થી ઘટાડીને 7% કરવાનો આદેશ જારી કર્યો હતો. તેમાંથી સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોને 5% અનામત મળશે જે પહેલા 30% હતું. બાકીના 2%માં વંશીય લઘુમતી, ટ્રાન્સજેન્ડર અને વિકલાંગોનો સમાવેશ થશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 93% નોકરીઓ મેરિટના આધારે આપવામાં આવશે.

બાંગ્લાદેશ સરકારે 2018 માં વિવિધ શ્રેણીઓ માટે 56% અનામત નાબૂદ કરી હતી પરંતુ આ વર્ષે 5 જૂને ત્યાંની હાઈકોર્ટે સરકારના નિર્ણયને પલટાવ્યો અને આરક્ષણને ફરીથી લાગુ કર્યું. આ પછી બાંગ્લાદેશમાં હિંસાનો સમયગાળો શરૂ થયો હતો. સમાચાર એજન્સી એએફપીના અહેવાલ મુજબ હિંસામાં અત્યાર સુધીમાં 115 લોકો માર્યા ગયા છે.

પરિસ્થિતિ બગડ્યા પછી સરકારે સમગ્ર દેશમાં કર્ફ્યુ લાદી દીધો અને દેખાવકારોને જોતા જ ગોળી મારવાનો આદેશ આપ્યો હતો. પરિસ્થિતિને સંભાળવા માટે પોલીસની જગ્યાએ સેના તૈનાત કરવામાં આવી છે. પરિસ્થિતિને જોતા વડાપ્રધાન શેખ હસીનાએ તેમનો સ્પેન અને બ્રાઝિલનો પ્રવાસ રદ્દ કરી દીધો છે.

બાંગ્લાદેશમાં વધી રહેલા તણાવ વચ્ચે અત્યાર સુધીમાં 978 ભારતીય વિદ્યાર્થીઓ તેમના ઘરે પરત ફર્યા છે. ઢાકા યુનિવર્સિટીને આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓને બુધવાર સુધીમાં હોસ્ટેલ ખાલી કરવા જણાવાયું છે.

હિંસામાં અત્યાર સુધીમાં 115 લોકોના મોત થયા છે
હોસ્પિટલોમાંથી મળેલી માહિતી અનુસાર આ સપ્તાહે વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 115 લોકોના મોત થયા છે. 2,500 થી વધુ ઘાયલ થયા છે. ઈન્ડિપેન્ડન્ટ ટેલિવિઝને એકલા શુક્રવારે 17 લોકોના મોતની જાણ કરી હતી. સોમોય ટીવીએ 30 લોકોના મોતનો દાવો કર્યો છે. એસોસિએટેડ પ્રેસના પત્રકારે ઢાકા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 23 મૃતદેહો જોયા હતા. આ પહેલા ગુરુવારે (18 જુલાઇ) 22 લોકોના મોત થયા હતા.

આ પહેલા ગુરુવારે સેંકડો પ્રદર્શનકારીઓ BTV ઓફિસના કેમ્પસમાં ઘૂસી ગયા હતા અને 60થી વધુ વાહનો સળગાવી દીધા હતા. તે જ દિવસે વડાપ્રધાન શેખ હસીનાએ BTVને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે જો સ્વતંત્રતા સેનાનીઓના પુત્રો અને પૌત્રોને અનામત નહીં મળે તો શું રઝાકારોના પૌત્રોને અનામત મળશે?

શેખ હસીનાના આ નિવેદન બાદ બાંગ્લાદેશમાં પ્રદર્શનો હિંસક બની ગયા હતા. શુક્રવારે બીજા દિવસે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ નરસિંગડી જિલ્લાની જેલમાં ધસી ગયા હતા. સેંકડો કેદીઓને જેલમાંથી મુક્ત કર્યા પછી તેઓએ તેને આગ લગાવી દીધી હતી.

Most Popular

To Top