બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ સંસદ ભંગ કરી દીધી છે. આ સાથે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની રચનાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ પણ વચગાળાની સરકારનું નેતૃત્વ કરવા માટે સંમત થયા છે.
બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને સંસદ ભંગ કરી દીધી છે. આ ઉપરાંત દેશની પૂર્વ પીએમ ખાલિદા જિયાને પણ મુક્ત કરવામાં આવી છે. મંગળવારે બાંગ્લાદેશમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ બપોરે 3 વાગ્યા સુધીમાં સંસદ ભંગ કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. તેમણે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં વચગાળાની સરકાર માટે નામો પ્રસ્તાવિત કરશે.
ભારત સરકારે મંગળવારે સવારે 10 વાગ્યે સર્વપક્ષીય બેઠક યોજી હતી. આ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, “શેખ હસીના આઘાતમાં છે. સરકાર તેમને વાત કરતા પહેલા થોડો સમય આપી રહી છે. તે પોતાના ભવિષ્યનો નિર્ણય લેશે.” બીજી તરફ બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારને સત્તા પરથી હટાવ્યા બાદ હવે સ્થિતિ સામાન્ય થવા તરફ આગળ વધી રહી છે. રાજધાની ઢાકામાં કર્ફ્યુ ખતમ થઈ ગયો છે અને સ્થિતિ સામાન્ય થઈ રહી છે.
અમારી હાલત પણ પાકિસ્તાન જેવી થઈ જશે- શેખ હસીનાના પુત્રએ ચિંતા વ્યક્ત કરી
શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડ્યા પછી પણ વિરોધીઓ રસ્તા પર ઉતરી રહ્યા હતા. દેખાવકારો અવામી લીગના નેતાઓ અને અધિકારીઓને નિશાન બનાવી રહ્યા છે. આ બધા વચ્ચે વડા પ્રધાન શેખ હસીનાના પુત્રએ દેશના સુરક્ષા દળોને કોઈપણ સત્તા પર કબજો અટકાવવા વિનંતી કરી. તેમણે એમ પણ કહ્યું કે જો કટોકટીની સ્થિતિ પર નિયંત્રણ નહીં આવે તો બાંગ્લાદેશ પાકિસ્તાન બની જશે.
સાજીબ વાજેદ જોયે પોલીસ, બાંગ્લાદેશ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીજીબી) અને સેનાને બંધારણનું સમર્થન કરવા હાકલ કરી હતી. તેમજ કોઈપણ બિનચૂંટાયેલી સરકારને સત્તામાં ન આવવા દેવા અનુરોધ કર્યો હતો. તેમણે ચેતવણી આપી હતી કે આમ કરવામાં બાંગ્લાદેશની 15 વર્ષની પ્રગતિને જોખમમાં મૂકી શકે છે અને સંભવિત રીતે દેશને પાકિસ્તાનના રસ્તે ચાલવા તરફ દોરી શકે છે, જે ભવિષ્યમાં ખતરનાક હશે.
હિંસા અને હત્યાઓ દ્વારા સત્તા હાંસલ કરી શકાતી નથી’
પૂર્વ પીએમના પુત્રએ વિરોધની નિંદા કરી હતી. આ હિંસાને આતંકવાદ પણ ગણાવ્યો હતો. તેમણે કહ્યું, ‘હિંસા અને હત્યાઓ દ્વારા સત્તા હાંસલ કરી શકાતી નથી. જ્યારે પોલીસની હત્યા થાય છે, નિર્દોષ લોકોને નિશાન બનાવવામાં આવે છે, ઘરોને આગ લગાડવામાં આવે છે અને પત્રકારોની હત્યા કરવામાં આવે છે ત્યારે તે વિરોધ નથી પણ આતંકવાદમાં ફેરવાય છે. આતંકવાદ સામે એક જ રીતે લડી શકાય છે. હું વિનંતી કરું છું કે અમારી કાયદા અમલીકરણ એજન્સીઓ ખૂબ ધીરજ બતાવે. જો કે, આ હવે વધુ સહન કરી શકાશે નહીં.