નવી સરકાર, નવા સમીકરણો PM Narendra Modiની શુભેચ્છા સાથે ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં નવો અધ્યાય દક્ષિણ એશિયાની રાજનીતિમાં એક મોટો ફેરફાર નોંધાયો છે. 17.5 કરોડની વસ્તી ધરાવતા બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણીમાં Bangladesh Nationalist Partyએ ભવ્ય જીત મેળવી છે. આ જીત માત્ર રાજકીય બદલાવ નહીં, પરંતુ દેશમાં લાંબા સમયથી ચાલતી અસંતોષની લાગણીઓનું પ્રતિબિંબ માનવામાં આવી રહી છે.પૂર્વ વડાપ્રધાન શેખ હસીના પદભ્રષ્ટ કરાયા અને ત્યાર પછીની અત્યંત પ્રવાહી રાજકીય પરિસ્થિતિ બાદ બાંગ્લાદેશમાં યોજાયેલી ચૂંટણી પર ભારત અને અમેરિકા સહિત વિશ્વની નજર હતી. દેશ છેલ્લા કેટલાક મહિનાઓથી વિરોધ પ્રદર્શન, હિંસા અને રાજકીય અશાંતિમાંથી પસાર થઈ રહ્યો હતો, જેના કારણે રોજિંદા જીવન અને ખાસ કરીને કપડાં ઉદ્યોગને મોટો ઝાટકો લાગ્યો હતો. રાજકીય અસ્થિરતાના ઓળા સામાન્ય જનજીવનને પ્રભાવિત કરી રહ્યા હતા. પરંતુ તારિક રહેમાનના વડપણ હેઠળ બીએનપીએ બે તૃતીયાંશ બહુમતી મેળવતા હવે બાંગ્લાદેશ રાજકીય સ્થિરતા તરફ આગળ વધી રહ્યો હોવાની આશા રાખી શકાય.
સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ BNPએ ભારે બહુમતી સાથે વિજય મેળવ્યો છે. હવે પાર્ટીના નેતા તારિક રહેમાન (Tarique Rahman) વડાપ્રધાન બનવાના મજબૂત દાવેદાર તરીકે સામે આવ્યા છે. જીત બાદ પાર્ટીએ કોઈ ભવ્ય ઉજવણી કે વિજય રેલી ન કાઢવાનો નિર્ણય લીધો છે. એના બદલે દેશના મંદિરો, મસ્જિદો, ચર્ચ અને પેગોડામાં પ્રાર્થના કરવા અપીલ કરી છે. જે શાંતિ અને એકતાનો સંદેશ આપશે.આ ચૂંટણીમાં BNP સામે મુખ્ય પડકાર તરીકે ઉભેલી Bangladesh Jamaat-e-Islami અને તેના સાથી પક્ષોને માત્ર 68 બેઠકો મળી. પાર્ટીના નેતા શફીકુર રહેમાને Shafiqur Rahmanએ હાર સ્વીકારી સકારાત્મક વિરોધની રાજનીતિ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. યુવા કાર્યકરો દ્વારા રચાયેલ નેશનલ સિટીઝન પાર્ટીને પણ માત્ર પાંચ બેઠકો મળતાં યુવા રાજકારણને મર્યાદિત સફળતા મળી છે.
આ રાજકીય પલટા પર ભારતની પ્રતિક્રિયા પણ મહત્વપૂર્ણ રહી. ભારતના વડાપ્રધાન Narendra Modi એ Tarique Rahman ને શુભેચ્છા પાઠવી અને જણાવ્યું કે ભારત હંમેશા લોકશાહી, પ્રગતિશીલ અને સર્વસમાવેશક બાંગ્લાદેશને સમર્થન આપતું રહેશે. તેમણે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની આશા પણ વ્યક્ત કરી.શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વેપાર, સરહદી સુરક્ષા અને પાણી વહેંચણી જેવા મુદ્દાઓ પર મજબૂત સહકાર રહ્યો હતો. હવે BNP સત્તામાં આવતાં નવા સમીકરણો ઉભા થવાની સંભાવના છે. તારિક રહમાને આતંકવાદ વિરોધી સહકાર, તિસ્તા નદી પાણી વહેંચણી અને અલ્પસંખ્યકોની સુરક્ષા અંગે પ્રતિબદ્ધતા દર્શાવી છે. જોકે તેમની “બાંગ્લાદેશ ફર્સ્ટ” નીતિ ભારત સાથેના ભવિષ્યના સંબંધો અંગે ચર્ચા જગાવી રહી છે.બાંગ્લાદેશમાં આ રાજકીય પરિવર્તન દક્ષિણ એશિયાની રાજનીતિમાં નવી દિશા દર્શાવે છે. હવે નજર રહેશે કે નવી સરકાર દેશની આર્થિક સ્થિરતા, આંતરિક શાંતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં કેટલો સંતુલન સાધી શકે છે.