પાડોશી બાંગ્લા દેશમાં અનામત મુદ્દે ભયંકર તોફાનો થયાં. નોબેલવિજેતા મોહંમદ યુનુસે દેશની વચગાળાની સરકારના વડા તરીકે સત્તા સંભાળી લીધી છે. બાંગ્લા દેશી હિન્દુઓ ત્યાંનાં નાગરિકો ના હોય એવું ઓરમાયું વર્તન ત્યાંની પોલીસ કરી રહી છે. હિન્દુ છોકરીઓને ઉઠાવી જવી, એમના ઉપર બળાત્કાર ગુજારવા અને બળજબરીથી નિકાહ પઢવા, એ તો હવે પાકિસ્તાનની જેમ બાંગલા દેશમાં સામાન્ય ઘટના ગણાય છે. હમણાં એક ટી.વી. ચેનલ ઉપર સમાચાર જોયા તો હૃદય બંધ પડી જાય એ સ્થિતિ અમારા જેવા દર્શકની હતી. ટી.વી.નાં દૃશ્યો એવાં હતાં કે કેટલાંક હિન્દુઓને એક ઓરડામાં પૂરીને એમને દિવાલ તરફ મોં રાખી ઊભાં રાખ્યાં હતાં. પછી એક યુવક હાથમાં ધોકો લઇને આવ્યો પછી પેલાં હિન્દુઓને બરડામાં અને નીચે ધોકા વડે એ રાક્ષસ ફટકારવા લાગ્યો. માર ખાનાર ચીસો પાડતા હતા. એમાં દસ બાર વર્ષનાં બાળકો પણ હતાં. એ બધા છૂટવા માટે પેલા દાનવને પગે લાગતા હતા.
એ જોઈને અમારા જેવાને એટેક આવી જાય એવી સ્થિતિ હતી. આટલી બધી બર્બરતા! હવે અમે સવાલ એ કરીએ છીએ કે, આવે વખતે, પેલા માનવ અધિકાર પંચો કયા પાતાળમાં સંતાઈ ગયા છે? શું એમને આવા ટી.વી.ના સમાચારો બાબતે જરા પણ ખ્યાલ નથી? અત્યારે સવાલનો સવાલ એ છે કે આવાં પીડિત હિન્દુઓને બચાવવા ભારત સરકારે ગંભીર કદમો શા માટે ઉઠાવવાં ન જોઈએ? ભાગલા પાડવાનું ધ્યાન કયાં હતું, કે તેઓ તે વખતે બધાં જ હિન્દુઓને પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાનમાંથી ભારતમાં સાગમટે લાવી શકયાં નહિ. એ વખતે ત્યાં રહી ગયેલાં હિન્દુઓને પણ શી ખબર હતી કે અમારી ભવિષ્યમાં આવી વલે થશે?
સુરત – બાબુભાઈ નાઈ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.