મીરપુર, તા. 22 : બંગ્લાદેશના પ્રવાસે ગયેલી પાકિસ્તાનની યુવા ટીમને આજે મંગળવારે અહીં રમાયેલી બીજી ટી-20મા યજમાન બાંગ્લાદેશે આઠ રને હરાવીને સીરિઝમાં 2-0ની સરસાઇ મેળવી લીધી છે. પાકિસ્તાને ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કર્યા પછી પ્રથમ દાવ લેવા ઉતરેલા બાંગ્લાદેશે 28 રનમાં ચાર વિકેટ ગુમાવ્યા પછી જાકીર અલીની અર્ધસદી અને મહેંદી હસનની 33 રનની ઇનિંગની મદદથી 133 રને ઓલઆઉટ થયું હતું. 134 રનના લક્ષ્યાંક સામે પાકિસ્તાને 47 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી ફહીમ અશરફે અર્ધસદી ફટકારીને ટીમને 121 રન સુધી લઇ ગયો હતો, તે આઉટ થતાં અંતે પાકિસ્તાન આઠ રને મેચ હાર્યું હતું.