ઢાકા: બાંગ્લાદેશના (Bangladesh) વડાપ્રધાન (Prime Minister) શેખ હસીનાએ સોમવારે ઢાકામાં (Dhaka) તેમના નિવાસસ્થાન ગણભવનમાં મીડિયાને (Media) સંબોધિત કરી હતી. ગઈકાલે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં તેઓ પાંચમી વખત બાંગ્લાદેશના વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા. આ સાથે જ શેખ હસીનાની પાર્ટી અવામી લીગે 300 સીટોવાળી બાંગ્લાદેશી સંસદમાં 223 સીટો જીતી હતી. ચૂંટણી (Election) દરમિયાન ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાની આગેવાની હેઠળના મુખ્ય વિરોધ પક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી અને તેના સહયોગીઓએ સામાન્ય ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.
શેખ હસીનાએ પોતાની જીત બાદ મીડિયાને સંબોધતા કહ્યું કે, ‘જે લોકો આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા છે અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે તેઓ ચૂંટણીથી ડરે છે. તેઓ ચૂંટણી લડવાનું ટાળે છે. આ રીતે તે મારા નહીં પણ બાંગ્લાદેશના લોકોની જીતમાં ફાળો આપે છે. હું ખુશ છું કે અમે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરી શક્યા.’ તેમણે વધુમાં કહ્યું, ‘યાદ રાખવું જોઈએ કે મારા પિતાની હત્યા પછી પણ મેં દેશમાં લોકશાહી સ્થાપિત કરવાના હેતુથી જ બાંગ્લાદેશ પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. તેમજ ઘણી વાર મારી હત્યાના પ્રયાસો કરવામાં આવ્યા. પરંતુ તેનાથી હું ક્યારેય રોકાયી નહીં.’
શેખ હસીનાએ ભારત માટે કહ્યું…
વડા પ્રધાન શેખ હસીનાએ ચૂંટણી જીત્યા બાદ કહ્યું હતું કે ભારત બાંગ્લાદેશનો ‘સાચો મિત્ર’ છે અને અમારા અદ્ભુત સંબંધો છે. હસીનાએ કહ્યું, ‘ભારત બાંગ્લાદેશનો ખૂબ જ સારો અને સાચો મિત્ર છે. તેમણે 1971 અને 1975માં અમને સમર્થન આપ્યું હતું. અમે ભારતને પાડોશી ગણીએ છીએ. હું ખરેખર પ્રશંસા કરું છું કે ભારત સાથે અમારા અદ્ભુત સંબંધો છે. આ સાથે તેમણે ભવિષ્યમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોને વધુ ઊંચાઈએ લઈ જવાના તેમના સંકલ્પને પુનરોચ્ચાર કર્યો હતો. તેમજ શેખ હસીનાએ મીડિયા સમક્ષ 2041 સુધીમાં બાંગ્લાદેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું પોતાનું વિઝન પણ રજૂ કર્યું હતું.’
‘આગામી 5 વર્ષમાં આર્થિક પ્રગતિ પર ફોકસ રહેશે’
વડા પ્રધાન શેખ હસીનાએ કહ્યું, ‘સ્વભાવે અમારા લોકો ખૂબ જ સ્માર્ટ છે અને મેં કહ્યું તેમ અમે અમારી યુવા પેઢીને ભવિષ્ય માટે તાલીમ આપવા માંગીએ છીએ. અમારો ઉદ્દેશ્ય 2041 સુધીમાં દેશનો વિકાસ કરવાનો છે. સ્માર્ટ વસ્તી, સ્માર્ટ સરકાર, સ્માર્ટ અર્થતંત્ર અને સ્માર્ટ સોસાયટીએ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. આગામી 5 વર્ષમાં અમારું મુખ્ય ફોકસ આર્થિક પ્રગતિ અને અમે જે પણ કામ શરૂ કર્યું છે તેને પૂર્ણ કરવાનું રહેશે. અમે અમારો મેનિફેસ્ટો પહેલેથી જ બહાર પાડી દીધો છે. અમે જ્યારે પણ અમારું બજેટ બનાવીએ છીએ ત્યારે અમે મેનિફેસ્ટોમાં આપેલા વચનો પૂરા કરવાનો પ્રયાસ કરીએ છીએ. લોકો અને દેશનો વિકાસએ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે.’