SURAT

સુરત એરપોર્ટ ગોલ્ડ, ડાયમંડ બાદ હવે આ નશીલા પદાર્થની દાણચોરી માટે કુખ્યાત બન્યું

સુરત : સુરત એરપોર્ટ ગોલ્ડ અને ડાયમંડ પછી હાયડ્રોપોનિક ડ્રગ્સની હેરાફેરી માટે કુખ્યાત બન્યું છે. સુરત DRI એ બેંગકોક – સુરત ફલાઇટમાં આવેલા પેસેન્જર પાસેથી 14 કિલો હાયડ્રોપોનિક ડ્રગ્સ સાથે રાજસ્થાનના એજાજની ધરપકડ કરી છે.

  • દક્ષિણ ગુજરાતમાં ગાંજો લાવવા બેંગકોક-સુરત ફ્લાઇટનો ઉપયોગ
  • સુરત DRI એ બેંગકોક – સુરત ફ્લાઇટમાં 14 કિલો હાયડ્રોપોનિક ડ્રગ્સ સાથે આવેલા પેસેન્જર રાજસ્થાનના એજાજની ધરપકડ

ડિરેક્ટોરેટ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) સુરતનાં સૂત્રોના જણાવ્યા મુજબ થાઇલેન્ડના બેંગકોક સ્થિત સ્વર્ણભૂમિ એરપોર્ટથી સુરત એક નવો ખેલ શરૂ થયો છે.

થાઇલેન્ડમાં ઉત્પાદિત હાયડ્રોપોનિક ડ્રગ્સ (ગાંજો)
ભારતના દેશી ગાંજા કરતાં ઓછો હાનિકારક અને વધુ ઉત્તેજના પેદા કરનાર માનવામાં આવે છે. એની દેશ વિદેશમાં ડિમાન્ડ રહે છે. ભારતમાં મુંબઇ, પૂણે, દિલ્હી, અમદાવાદ, જયપુર જેવા શહેરોની નાઇટ ક્લબમાં આ ગાંજો યુવાધન માટે હુક્કા બારમાં લોકપ્રિય બન્યો છે. માલેતુજાર પરિવારના બિગડેલા નબીરાઓ આ ગાંજાનો ઉપયોગ કરી રહ્યા છે.

બેંગકોકની નાઇટ લાઇફમાં પણ આ જ ગાંજાનો ઉપયોગ હુક્કાબારમાં થાય છે. એને લીધે બેંગકોક સુરતની એકમાત્ર ફ્લાઇટ કે જેનો ઉપયોગ જેમ એન્ડ જ્વેલરી વેપારીઓ અને ટૂરિસ્ટ કરતા હોવાથી એમની આડમાં આ ઓછો નશાકારક ગાંજો લાવવામાં આવી રહ્યો છે. દેશી ગાંજા કરતાં બેંગકોક્નઆ ગાંજાની કિંમત વધુ મળતી હોવાથી એની દાણચોરી થઇ રહી છે.

ડીઆરઆઇની ટીમે સોમવારે બેંગકોકથી આવી રહેલી ફ્લાઇટમાંથી 14 કિલો ગાંજાના જથ્થા સાથે રાજસ્થાન ખાતે રહેતા આરોપી એજાજને ઝડપી પાડ્યો હતો. આ ગાંજાની આંતરરાષ્ટ્રીય કિંમત રૂપિયા 14 કરોડ થવા જાય છે. આરોપીની ડીઆરઆઇએ આકરી પુછપરછ શરુ કરી છે. ગાંજાનો આ જથ્થો કોણે મંગાવ્યો હતો. કોને કોને ડિલિવર થવાનો હતો. એની તપાસ ચાલી રહી છે.

સુરત ડીઆરઆઇને બાતમી મળી હતી કે બેંગકોકથી આવી રહેલી એરઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં એક પેસેન્જર પાસે શંકાસ્પદ બેગ છે, સુરત એરપોર્ટ પર લેન્ડ થયા પછી આરોપી એઝાઝ રાજસ્થાનીએ ટ્રોલીમાં જ બેગ મૂકીને એરપોર્ટની બહાર નિકળવા ઝડપ દેખાડી હતી. એ દરમિયાન જ એરપોર્ટ કસ્ટમ અને ડીઆરઆઈના અધિકારીઓએ તેને અટકાયતમાં લઈ ઝડતી લેતા બેગમાંથી થાઈ ઈંગ્લિશ હાયડ્રોપોનિક ડ્રગ્સ(ગાંજો) મળી આવ્યો હતો.

સુરત એરપોર્ટના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા અધિકારીઓ
અધિકારીઓના જણાવ્યા મુજબ, મુસાફરના ચેક કરેલા સામાનમાં ડ્રગ્સ છુપાવવામાં આવ્યુ હતુ અને એક ટાર્ગેટ-ગેટ ઇન્ટરસેપ્શન દરમિયાન તેને શોધી કાઢવામાં આવ્યું હતું. મુસાફર એક જ રૂટ પર ઘણી વખત મુસાફરી કરી ચૂક્યો હતો. અમે તપાસ કરી રહ્યા છીએ કે શું તેની અગાઉની યાત્રાઓ પણ નાર્કોટિક્સની તસ્કરી સાથે જોડાયેલી હતી.

તપાસકર્તાઓ મુસાફરના ઇમિગ્રેશન રેકોર્ડ, નાણાકીય વ્યવહારો અને સંદેશાવ્યવહારના ડેટાની તપાસ કરી રહ્યા છે જેથી તેના વિદેશમાં રહેલા હેન્ડલર્સને ઓળખી શકાય. અધિકારીઓ સુરત એરપોર્ટ પરથી સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી રહ્યા છે જેથી નક્કી કરી શકાય કે સ્થાનિક સહયોગીઓ માલ મેળવવા માટે બહાર રાહ જોઈ રહ્યા હતા કે નહીં. અમે બંને બાજુ કામ કરી રહ્યા છીએ – બેંગકોક કનેક્શન સ્થાપિત કરવા અને સુરતમાં બે વ્યક્તિઓને ઓળખવા માટે, જેઓ નાર્કોટિક્સ એકત્રિત કરવાના હતા, એમ ડીઆરઆઈ અધિકારીએ ઉમેર્યું હતુ.

Most Popular

To Top