નવી દિલ્હી: વિદેશમાં રહેતા મોટા ભાગના ભારતીય લોકો ભારતથી પરત ફરતી વખતે અથાણું, પાપડ વગેરે જેવી ઘણી વસ્તુઓ સાથે લઈ જાય છે. આ બધી માત્ર વસ્તુઓ નથી પરંતુ એક પ્રેમ છે જે સમયાંતરે લોકોને તેમના દેશ અને પરિવારની યાદ અપાવે છે. આ ઉપરાંત વિદેશમાં રહીને સ્થાનિક વસ્તુઓ વાપરવાની પોતાની મજા છે. પરંતુ જો તમે સંયુક્ત આરબ અમીરાત (UAE) માં રહો છો અથવા ત્યાં જઈ રહ્યા છો, તો તમે હવે આ બધી વસ્તુઓ તમારી સાથે લઈ જઈ શકશો નહીં.
તાજેતરમાં ભારતથી સંયુક્ત આરબ અમીરાત (UAE)ની હવાઈ મુસાફરી દરમિયાન પ્રતિબંધિત વસ્તુઓની યાદી બહાર પાડવામાં આવી છે. ચેક-ઇન સામાનમાં વારંવાર જોવા મળતી કેટલીક પ્રતિબંધિત વસ્તુઓમાં નારિયેળ, ફટાકડા, પાર્ટી પોપર્સ, મેચસ્ટિક્સ, પેઇન્ટ, કપૂર, ઘી, અથાણું અને અન્ય તેલયુક્ત ખાદ્ય વસ્તુઓનો સમાવેશ કરાયો છે. કેટલીક અન્ય વસ્તુઓ છે જેની સાથે મુસાફરી કરવી અપરાધ માનવામાં આવે છે, તેમાં ઈ-સિગારેટ, લાઈટર, પાવર બેંક અને સ્પ્રે બોટલનો સમાવેશ થાય છે.
આ વસ્તુઓ સામાન્ય રીતે વિસ્ફોટનું કારણ બની શકે છે. ભારતથી UAE જનારા ઘણા મુસાફરોને ખબર નથી કે ફ્લાઈટમાં આ બધી વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ છે. આ બધી વસ્તુઓને ફ્લાઈટમાં લઈ જવી ખતરનાક માનવામાં આવે છે કારણ કે તે ફ્લાઈટમાં વિસ્ફોટની શક્યતા વધારે છે.
ગયા વર્ષે એક મહિનામાં મુસાફરોના ચેક-ઇન લગેજમાંથી 943 સૂકા નારિયેળ મળી આવ્યા હતા. તમને જણાવી દઈએ કે સૂકા નાળિયેરમાં તેલની માત્રા વધુ હોવાને કારણે આગ લાગવાની શક્યતાઓ ઘણી વધી જાય છે.
વર્ષ 2022 માં નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોએ તેના પ્રતિબંધિત માલની સૂચિમાં સૂકા નારિયેળનો સમાવેશ કર્યો છે. ઘણા મુસાફરો હજુ પણ આ વિશે જાણતા નથી. ચેક-ઇન સમયે અટકાયતમાં લેવાતી બેગની વધતી સંખ્યા દર્શાવે છે કે નિયમિત મુસાફરો ફ્લાઇટમાં પ્રતિબંધિત અથવા જોખમી વસ્તુઓ વિશે જાગૃત નથી.
અધિકારીઓ હવે મુસાફરોને વિનંતી કરી રહ્યા છે કે તેઓ એરપોર્ટ અથવા એરલાઇન્સ દ્વારા આપવામાં આવેલા નિયમોને સમજવાનો પ્રયાસ કરે કે કઈ વસ્તુઓ લઈ જવાની મંજૂરી છે અને કઈ નથી. આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી રહી છે જ્યારે ભારત-UAE એવિએશન કોરિડોર સૌથી વ્યસ્ત છે, જેમાં ઘણા ભારતીયો કામ અથવા રજાઓ માટે ગલ્ફ દેશોમાં પ્રવાસ કરે છે. આ ઉપરાંત તહેવારોની મોસમ નજીક આવતાં મુસાફરોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
પ્રતિબંધિત સામાનમાં આ વસ્તુઓનો સમાવેશ કરાયો છે: સુકા નાળિયેર, ફટાકડા, પાર્ટી પોપર્સ, પેઇન્ટ, કપૂર, ઘી, અથાણું, તેલયુક્ત ખોરાક, ઇ-સિગારેટ, લાઇટર, પાવર બેંક, સ્પ્રે બોટલ