- 7 જૂન સુધી ડુમસ અને સુંવાલી બીચ પર જવા પ્રતિબંધ : અનુપમસિંહ ગેહલોત
- વાવાઝોડાની આગાહીના કારણે વલસાડ, દમણ અને નવસારીના દરિયા કિનારે નહીં જવા સરકારનો આદેશ
સુરત: આગામી સપ્તાહમાં વાવાઝોડાની આગાહીના કારણે દક્ષિણ ગુજરાતના તમામ બીચ ઉપર સહેલાણીઓ માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
ગુજરાતના દરિયાકિનારે ભારે પવન ફૂંકાવાની હવામાન વિભાગની આગાહીને કારણે તકેદારીના ભાગરૂપે સુરત જિલ્લામાં આવેલા ઓલપાડ તાલુકાના દાંડી અને ડભારી બીચ આવતી કાલથી ૭ જૂન સુધી બંધ રહેશે. આ જાહેરાત અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય રબારીએ એક જાહેરનામાં દ્વારા કરી છે.
આ ઉપરાંત માછીમારોને દરિયો નહીં ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે દરિયા કિનારા પર લોકોના જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમણે ડુમસ અને સુંવાલીના દરિયા કિનારા પર જવા માટે પ્રતિબંધ મૂક્યો છે.
ઉપરાંત વલસાડ, દમણ અને નવસારીના દરિયા કિનારે પણ નહીં જવા પર રાજય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. કમિ ગેહલોતે જણાવ્યુંકે સુરત શહેરની હદમાં આવતા તમામ દરિયા કિનારાઓ પર હાલમાં પોલીસ મૂકી દેવામાં આવી છે. ડુમસ દરિયાકિનારો પણ હાલમાં પોલીસ મૂકી દેવાઇ છે.
સુરતમાં 10 દિવસ બાદ મેઘરાજા વરસશે: આગાહી
સુરત: સુરત શહેરમાં આજે પણ ઝડપી પવનની સાથે તાપમાનમાં વધારો નોંધાયો હતો. પવનોની સાથે અસહ્ય ઉકળાટે લોકોને આજે પણ પરેશાન કર્યા હતા.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં આજે મહત્તમ તાપમાન વધીને ૩૫ ડિગ્રી નોંધાયું હતું. લઘુત્તમ તાપમાન ૨૯.૪ ડિગ્રી નોંધાયું હતું. હવામાં 65 ટકા ભેજની સાથે 8 કિમીની ઝડપે દક્ષિણ-પશ્ચિમનો પવન ફુંકાયો હતો. બીજી બાજુ ચોમાસાના આગમન પૂર્વે વરસાદી વાતાવરણ બને તેવા સંજોગો છે. મેઘ સવારીના સ્વાગત માટે રાજય સરકારનું મહેસુલ તંત્ર અને અન્ય વિભાગો સજ્જ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ તા.10 થી 15 જૂન વચ્ચે ગુજરાતમાં પ્રથમ તબક્કાનો સારો વરસાદ થાય તેવા સંજોગો છે. જોકે કુદરતી વાતાવરણ ગમે ત્યારે બદલાઈ શકે છે. દસ દિવસ પછી મેઘ સવારી આવી પહોંચશે તેવી આગાહીના પગલે સરકારી તંત્ર સજ્જ થઈ ગયું છે.
સામાન્ય રીતે રાજયકક્ષાએ અને જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ કાયમ ચાલુ રહેતો હોય છે પરંતુ ચોમાસામાં કંટ્રોલ રૂમમાં જે વિશેષ પ્રવૃત્તિ થતી હોય તે આવતીકાલથી શરૂ થશે. કાલથી ચોમાસાલક્ષી પ્રવૃત્તિ સાથેના જિલ્લાવાર કંટ્રોલરૂમ ધમધમશે.