દમણ: દમણના દરિયામાં પર્યટકો સ્થાનિકો અને માછીમારોના જવા પર પ્રશાસને પ્રતિબંધ લગાવ્યો છે. દમણના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પ્રિયાંશુ સિંઘ દ્વારા જારી કરવામાં આવેલા આદેશ મુજબ છેલ્લા ઘણા સમયથી દમણના દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકો સહેલગાહે આવી રહ્યા છે.
જ્યાં અમુક પર્યટકો જીવના જોખમે દરિયામાં ન્હાવા, તરવા તથા દરિયાના પાણીમાં સેલ્ફી લેતા હોય છે. ત્યારે દરિયાના પ્રચંડ મોજાની ચપેટમાં આવતા કેટલાક લોકોના ડૂબીને મોત પણ નીપજ્યા છે. ત્યારે હાલ વરસાદની ઋતુ શરૂ થઈ હોય અને દરિયો જોખમી બની ગયો હોય ત્યારે આવા સંજોગોમાં કોઈપણ વ્યક્તિ માટે દરિયાની અંદર જવું નુક્શાનકારક હોય. જે બાબતને ધ્યાન પર લઈ અને ખાસ કરીને સુરક્ષાના ભાગરૂપે પર્યટકો, સ્થાનિક લોકો તથા મચ્છીમારી કરતા માછીમારો માટે દરિયાની અંદર જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ આદેશ 26 જૂનથી 31 ઓગસ્ટ-2024 સુધી લાગુ રહેશે. ત્યારે ઉપરોક્ત આદેશનું ઉલ્લંઘન કરનારા લોકો સામે પ્રશાસન ભારતીય દંડ સંહિતા 1860 ની કલમ 188 અને અન્ય કલમ હેઠળ દંડાત્મક કાર્યવાહી કરશે.
વાપી-પારડી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો
વાપી,પારડી: વાપી-પારડી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગુરૂવારના રોજ વાતાવરણ પલટાયું હતું અને સવારે વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી ઝાપટાઓ પડવાના શરૂ થયા હતા. આખો દિવસમાં છૂટો-છવાયો વરસાદ તો કયારેક રીમઝીમ વરસાદ પડ્યો હતો. વરસાદને લઈ વાપીના માર્ગો કાદવ કિચડવાળા થયા હતા. અચાનક આવી પડેલા વરસાદને પગલે નોકરિયાતવર્ગો, કામદારો અને શાળાએ જનારાઓ બાળકોએ રેઈનકોટ, છત્રીનો ઉપયોગ કરવો પડ્યો હતો. તો બીજી તરફ પારડી હાઈવે સહિતના માર્ગો પર પાણીનો ભરાવો થયો હતો. વરસાદી ઝાપટું આવતા બાઈકચાલકો ભીંજાયા હતા. તો અન્ય વાહનોની ગતિ ધીમી પડી હતી. પારડી નગરમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પારડી તાલુકાના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. પરંતુ અનુકૂળ વરસાદની સિઝન હજી શરૂ ન થતા ગરમીથી પરેશાન લોકો વરસાદની રાહ જોઈને બેઠા છે.