આણંદ : આણંદ જિલ્લામાં જોવા મળેલ લમ્પી વાયરસથી પશો સુરક્ષિત રહે તે હેતુસર આણંદ જિલ્લામાં પશુઓની હેરફેર, પ્રદર્શન જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકાયો છે. જેમાં આણંદ જિલ્લામાં અન્ય રાજયો, જિલ્લા, તાલુકામાંથી કે એક ગામથી બીજા ગામમાં પશુઓની હેરફેર કરવા પર, પશુઓના વેપાર, પશુ મેળા, પશુ પ્રદર્શન, પશુઓ સાથેની રમતો અને પશુઓને એકઠા કરવાના વગેરે પ્રવૃતિ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આણંદ જિલ્લામાં સંભવિત પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ રોગના લક્ષણો છૂટાછવાયા કેસોમાં જોવા મળ્યા છે. આ રોગ વાયરસથી એક પશુથી બીજા પશુમાં ઝડપથી ફેલાતો હોવાથી અને પશુઓમાં એકબીજાના સીધા સંપર્કથી તેમજ પશુઓના શરીર પર ચોંટેલી ઇતરડી, માખી, મચ્છ૨ વગેરેથી પણ ચેપ ફેલાતો હોય સરકારની આ અંગેની ગાઇડલાઇન મુજબ પશુઓના પરિવહન ઉપર તેમજ જિલ્લામાં સંભવિત વાયરસના સંક્રમણને ધ્યાને લઇ તકેદારીના ભાગરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ એમ. વાય. દક્ષિણીએ મળેલ સત્તાની રૂઇએ સમગ્ર આણંદ જિલ્લામાં કેટલાંક પ્રતિબંધો ફરમાવ્યા છે.
જેમાં આણંદ જિલ્લામાં અન્ય રાજયો, જિલ્લા, તાલુકામાંથી કે એક ગામથી બીજા ગામમાં પશુઓની હેરફેર કરવા પર, પશુઓના વેપાર, પશુ મેળા, પશુ પ્રદર્શન, પશુઓ સાથેની રમતો અને પશુઓને એકઠા કરવાના થતાં હોય તેવા આયોજનો અને કોઇ રસ્તામાં કે જાહેર જગ્યાએ ચેપી રોગવાળા જાનવારો તથા રોગવાળા મરેલા જાનવરોના મડદાંને અથવા તેના કોઇ ભાગને ખુલ્લા/છૂટા છોડી દેવાની અથવા તેમને લાવવા-લઇ જવા જેવી પ્રવૃત્તિઓ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામામા આણંદ જિલ્લાના જે ગામોમા 21 દિવસ પહેલા રસીકરણ પુર્ણ થયેલ હોય.
તેવા ગામોમા સરકારની યોજનાકીય કામગીરી સંદર્ભે પશુ-સારવાર અને સંવર્ધનના હેતુસર પશુપાલન વિભાગ દ્વારા પશુઓ માટેના કેમ્પ યોજવા મુક્તિ આપી છે. આ હુકમથી હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના દરજજાના આણંદ જિલ્લાના પોલીસ અધિકારીઓને તથા મદદનીશ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અને પશુપાલન વિભાગના પશુધન નિરીક્ષક તથા તે ઉપરના દરજજાના તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.આ જાહેરનામું 31 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે. જયારે આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ઇસમ સજાને પાત્ર થશે.