ઊડણ-પીપળીની રમત રમી બલરામે પ્રલંબાસુરનો વધ કર્યો

બ્રહ્મા જેવા બ્રહ્માને પણ શરમિંદા બનાવનાર શ્રીકૃષ્ણનો મહિમા પ્રેમાનંદના શ્રોતાઓના હૈયે વસ્યો. હવે તેઓ ભગવાનના એક પછી એક પરાક્રમની પ્રતીક્ષા કરવા લાગ્યા. ગમે તેવો મોટો રાક્ષસ હોય આ બાળકૃષ્ણ તેને હંફાવશે જ. કંસ ચિંતાતુર તો થતો જ હતો. એક પછી એક રાક્ષસનો વધ થઇ જતો હતો, અંદરખાને તો તે ગભરાતો હોવો જોઇએ. મૃત્યુ પામનાર રાક્ષસનું કોઇ સ્વજન સામે ચાલીને કંસને કશું સંભળાવવાની હિંમત કરતું નહીં – સરમુખત્યારોનું આ વલણ જ રહ્યું છે. આદિ કાળથી વર્તમાન સમય સુધી સરમુખત્યારની સામે થવાની હિંમત કોઇ બતાવતું નથી.

કંસે પ્રલંબાસુર નામના રાક્ષસને કૃષ્ણની હત્યા કરવા મોકલ્યો. એ રાક્ષસ વિશેની જાણ તો થઇ જ ગઇ. એ તો અંતર્યામી હતા ને! તેમણે પ્રલંબાસુરને પરાજિત કરવા એક નવી ઊડણ-પીપળી નામની રમત શરૂ કરી. બબ્બે ભિલ્લુ, જે હારે તે જીતનારનું વાહન થાય. પ્રલંબે આ રમતમાં ભાગ લેવાનું ઠરાવ્યું એટલે તે પોતે ગોપ બની ગયો – બળિભદ્ર અને પ્રલંબ – ભિલ્લુ બન્યા. રમતમાં પ્રલંબ તો હારી ગયો અને તેના ઉપર બલરામ ચડયા. રાક્ષસ તો માયાવી. એ તો લઇ ચાલ્યો બળરામને છેક ઊંચે ગગનમાં. ગોપબાલો તો આ જોઇને ધ્રૂજી ઊઠયા, અને પછી તો રાક્ષસે પોતાનું રૂપ ધારણ કર્યું – પણ બલરામને હંફાવવા એ સહેલી વાત ન હતી, તેમણે રાક્ષસ પર મુકકા વડે પ્રહાર કર્યો અને પ્રલંબાસુરનો ખાતમો બોલ્યો. જોકે અહીં આગળ – બીજા રાક્ષસોના આક્રમણ અને તેનો પ્રતિકાર – રંગેચંગે નિરૂપાયા નથી. વચ્ચે આપણને જણાવી દીધું કે બલરામનો મહિમા વધારવાની જ આ યોજના હતી. આ મોટાઇ જ કહેવાય ને!

હવે કોઇ રાક્ષસની વાત નથી – એ દુર્ઘટના રાક્ષસપ્રેરિત માનવી હોય તો માની શકાય. એક વનમાં ગોપબાલો ગાયો ચરાવવા ગયા અને ત્યાં અચાનક દાવાનળ પ્રગટયો. અગ્નિ આગળ આ લાચાર બાળકો અને ગાય વાછરડાનું શું ગજું. બધી ગાયો પણ મનોમન શ્રીકૃષ્ણનું ધ્યાન ધરવા લાગી. આખું આકાશ ધુમાડાથી ઘેરાઇ ગયું, સૂર્ય ઢંકાઇ ગયો – વૃક્ષો સળગવા લાગ્યા પ્રાણીઓ, પંખીઓની હાલત કફોડી થઇ ગઇ. બલરામે આ ઘટના જોઇ અને તેમણે કૃષ્ણને આ વાત કરી. કશુંક અનિષ્ટ આવી પડયું લાગે છે. આકાશે ધુમાડો છે – એટલે બંને ભાઇઓ એ સ્થળે ગયા.

ગોપબાલોની આજીવિકાનો આધાર ગાયો, તેમના વિના ઘેર પણ જઇ ન શકાય. જો ગાયો મૃત્યુ પામે તો અમારું પણ મૃત્યુ થવાનું. ત્યાં કૃષ્ણને આવેલા જોઇ બધાને આશા બંધાઇ, ગાયો કૃષ્ણને ઘેરી વળી. વાંસળીનો નાદ સાંભળીને દૂર દૂરથી ગાયો પણ ત્યાં દોડી આવી અને એમની પાછળ પાછળ આવ્યો – દાવાનળ, કૃષ્ણે બધાને આંખો મીંચી દેવા કહ્યું. કૃષ્ણે તો પોતાના બંને હાથમાં અગ્નિને લઇ લીધો અને પોતાના મોઢામાં તેને સમાવી લીધો. જેવી રીતે અગસ્ત્ય ઋષિએ સાગરવાન કર્યું હતું તેવી રીતે શ્રીકૃષ્ણે અગ્નિપાન કર્યું. બધાને આખી ઘટના સ્વપ્ન જેવી લાગી – એકાએક અગ્નિ ગાયબ કયાં થઇ ગયો. હવે દાવાનળે નુકસાન તો ખાસ્સું કર્યું હતું – એટલે વૃક્ષો પાછા હતા તેવા લીલાછમ થઇ ગયા.

ગોપબાલોએ આંખો ખોલીને જોયું તો કયાંય દાવાનળનું નામોનિશાન ન હતું. કેટલાક મધ્યકાલીન ચિત્રકારોએ ભાગવતની આ કથા પરથી સુંદર ચિત્રો પણ આલેખ્યાં છે. બધા ઘેર ઘેર આ વધાઇ આપવા લાગ્યા.

આ દાવાનળનું વર્ણન કર્યા પછી પ્રેમાનંદ વર્ષબળનું વર્ણન કરે છે.

કવિ તો શબ્દના સ્વામી એટલે જુઓ કેવી રીતે એ વર્ણન કર્યું?
ગાજે ધન, વીજળી બહુ ચમકે,
થાય અંધારું ઘોર જી;
હંસ, ચાત્રુક, બવૈયા, બોલે,
નાચે કળા કરી મોર જી.
અમૃત સ્વરે કોકિલા બોલે,
ભ્રમર કરે ગુંથર જી;
અભ્રઘટાને દેખી નાસે,
 વચ્છ કરે હીસાર જી,

આવી ઋતુમાં લોકજીવનની કેવી હાલત થાય છે તેનું વર્ણન કરવાનું કવિ ચૂકતા નથી. એવી રીતે વર્ષા પછી શરદનું વર્ણન કવિ કરે છે.
નિર્જળ થયા સરિતાના,
પોયણ પંકજ ઊઘડિયાં જી,
ઉત્પત્તિ થઇ મુકતાફળની,
સ્વાતિ બિંદુ બહુ પડિયાં

પ્રેમાનંદ વર્ણન એવી રીતે કરે કે નીતિબોધ પણ આવી જાય,
સ્ત્રી કે પુરુષ કોઇએ વ્યભિચારી થવાનું નહીં, એટલે કવિ કહેશે-
સ્ત્રીઓ પોતાના પતિ વડે સગર્ભા થઇ.
આ રીતે કવિ શબ્દલીલા વડે મનોરંજનની સાથે સાથે આવી ઉપદેશાત્મક ભૂમિકા પણ આપે છે.

Most Popular

To Top